માઇક્રોસોફ્ટે ટ્રાન્સલેશન માટે બનાવેલી AI સિસ્ટમ તમામ ટેસ્ટમાં પાસ થઈ

સાન ફ્રાન્સિસ્કો, શુક્રવાર
દિગ્ગજ ટેકનોલોજી કંપની માઇક્રોસોફટના સંશોધકોએ એક એવું આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) મશીન વિકસાવ્યું છે. જે ચાઇનીઝ ભાષામાં લખેલા લેખોનો અંગ્રેજીમાં સ્પષ્ટ અનુવાદ કરી શકે છે. આ સંશોધનમાં ભારતીય મૂળના વિજ્ઞાની અરુલ મેન્જેસ પણ સામેલ છે. આ મશીનને તૈયાર કરનારી કંપનીની બીજિંગ અને વોશિંગ્ટન રિસર્ચ લેબના સંશોધકોએ સાથે મળીને કામ કર્યું હતું.

મશીનના ટેસ્ટ માટે ઘણા સમાચારોના સેેટનો ઉપયોગ કરાયો છે. મશીનની આ પરીક્ષાને ન્યૂઝ ટેસ્ટ ર૦૧૭ નામ આપવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં લગભગ ર૦૦૦ વાકય હતા. જેનો પહેલાં પ્રોફેશનલ રીતે અનુવાદ થઇ ચૂકયો હતો. આઇઆઇટી બોમ્બેમાંથી ભણેલા અરુલે કહ્યું કે અમે જોવા ઇચ્છતા હતા કે શું આ મશીન પ્રોફેશનલ ટ્રાન્સલેટરની બરાબરી કરી શકે છે કે નહીં? તેથી અમે ચાઇનીઝ અને અંગ્રેજી જેવી જટીલ ભાષાનો ઉપયોગ કર્યો.

મશીનથી થયેલા અનુવાદની તપાસ માટે બંનેે ભાષાના જાણકારોને નિયુકત કરાયા. પરીક્ષણ દરમિયાન ટીમે ડયૂઅલ-લર્નિંગ વિધિનો પ્રયોગ કર્યો. જેટલી વાર મશીનમાં ચાઇનીઝ વાકયને અંગ્રેજીમાં અનુવાદ માટે મોકલવામાં આવ્યું ત્યારે ટીમે અંગ્રેજીનો ફરી ચીનીમાં અનુવાદ કર્યો. આ રીતે આ મશીનનું વારંવાર ટેસ્ટિંગ કરાયું, પરંતુ તેનાં પરિણામો એકદમ સટિક મળ્યાં.

એક અન્ય સંશોધકે જણાવ્યું કે મશીને કરેલા અનુવાદમાં માણસ જેટલી સ્પષ્ટતા મેળવવી ખરેખર એક સ્વપ્ન સમાન હતું. અમે વિચાર્યું નહોતું કે આ બધું આટલું જલદી થઇ જશે. વિજ્ઞાનીનું કહેવું છે કે મશીન નવા સમાચારોનું સ્પષ્ટ ભાષાંતર કરી શકે છે કે નહીં તેનું પરીક્ષણ હજુ બાકી છે. સંશોધન ટીમ આ સફળતાનો તમામ ભાષાઓમાં ઉપલબ્ધ માઇક્રોસોફટની વ્યાવસાયિક સેવાઓમાં પણ ઉપયોગ કરી શકે છે.

You might also like