અમેરિકાની મિશિગન કોર્ટમાં કેદીએ ફાયરિંગ કરતાં બે પોલીસનાં મોત

વોશિંગ્ટન: અમેરિકાના મિશિગન પ્રાંત સ્થિત એક કોર્ટ સંકુલમાં ફાયરિંગની ઘટના બહાર આવતાં હડકંપ મચી ગયો છે. એક બંદૂકધારીએ કોર્ટ સંકુલ બહાર ગોળીબાર કરીને બે પોલીસને ઢાળી દીધા હતા અને ત્યાર બાદ પણ ફાયરિંગ જારી રાખ્યું હતું. આ હુમલામાં બે અન્ય પોલીસ પણ ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલાખોર એક કેદી જ હતો અને તેેણે સુરક્ષા કર્મી પાસેથી બંદૂક છીનવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. બેરિયન કાઉન્ટીના પોલીસ શેરિફ પોલ બેલીએ પત્રકારોને જણાવ્યું હતું કે હુમલામાં બે પોલીસ માર્યા ગયા છે અને એક હુમલાખોર પણ માર્યો ગયો છે.

સેન્ટ જોસેફ કોર્ટ સંકુલની બહાર થયેલ આ ગોળીબારની ઘટનાને મિશિગનના ગવર્નર રિક સ્નાઇડરે ટ્વિટર પર સમર્થન આપ્યું હતું. મિશિગન પોલીસે આ ઘટનામાં તપાસ ચાલુ કરી દીધી છે.

ગોળીબારની આ ઘટના બાદ કોર્ટ સંકુલની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે. પોલ બેલીએ પોતાના સહકર્મચારીઓની હત્યાનું સત્ય અત્યંત આઘાતજનક અને આશ્ચર્યજનક હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ડલાસ ખાતે એક બંદૂકધારીએ પાંચ પોલીસ કર્મચારીઓને ઢાળી દીધા હતા.

You might also like