‘ઓસ્ટ્રેલિયન કેપ્ટન’ તરીકે વાપસી કરવા ક્લાર્ક તૈયાર

મેલબર્નઃ બોલ ટેમ્પરિંગની ઘટનાથી દુઃખી થયેલા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે કેપ્ટન તરીકે પોતાની વાપસીની સંભાવનાઓ ખુલ્લી રાખી છે. ઉલ્લેખનીય છે વર્ષ ૨૦૧૫માં એશીઝ શ્રેણી બાદ તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ક્લાર્ક હજુ ૩૬ વર્ષનો છે અને ઓસ્ટ્રેલિયા તરફથી તે ૧૧૫ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. વર્તમાન સમયમાં ક્લાર્ક ઓસ્ટ્રેલિયાના નાઇન નેટવર્ક પરથી કોમેન્ટરી કરી રહ્યો છે.

જ્યારે ક્લાર્કને ફરીથી ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ સંભાળવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું, ”આ પ્રકરણમાં હું બહુ જ લાગણીશીલ છું. મને સ્મિથ અને તેના સાથી ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ છે, પરંતુ સ્મિથે ક્રિકેટની સાથે બહુ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે. જો મને યોગ્ય લોકો દ્વારા આ અંગે (કેપ્ટનશિપ) પૂછવામાં આવશે તો હું મારા જવાબ અંગે જરૂર વિચારીશ.”

ક્લાર્કે વધુમાં કહ્યું, ”હું દિલથી કહી શકું છું કે સ્મિથે સાચે જ બહુ મોટી ભૂલ કરી છે. આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ અને તેના ભવિષ્ય અંગે જણાવે છે કે વર્તમાન ખેલાડી અને વર્તમાન માળખું હાલ કઈ જગ્યાએ છે. મારું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે હું આ રમતની મદદ કરી શકું. જો સ્મિથને લઈને કંઈક થયું તો કેપ્ટનશિપ કોઈ એવા ખેલાડીના હાથમાં ન જવી જોઈએ, જે આવી ચીજોમાં સામેલ હોય.”

You might also like