લાખો ઉમેદવારો ફોર્મ ભર્યાં અને હવે MGVCLએ ભરતી જ રદ્દ કરી દીધી

અમદાવાદ, બુધવાર
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને પીજીવીસીએલ સહિત ચારેય વીજ કંપનીએ જાહેર કરેલી જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર ઈજનેરની ભરતી અચાનક રદ કરી દેતાં લાખો ઉમેદવારો રઝળી પડ્યા છે. લાખથી વધુ ઉમેદવારોએ આ ભરતી માટે ઉમેદવારીફોર્મ ભર્યાં હતાં, પરંતુ અચાનક ભરતી પ્રક્રિયા રદ કરી દેવાતાં કૌભાંડની શંકા પ્રબળ બની છે.

આ મુદ્દે એમજીવીસીએલએ પોતાની વેબસાઈટ પર આ ભરતી પ્રક્રિયા રદ કર્યાની સત્તાવાર જાહેરાત પણ મૂકી દીધી છે, જોકે એમજીવીસીએલએ આ ભરતી રદ કરવા પાછળનું કારણ ટેકનિકલ મુદ્દો હોવાનું જાહેર કર્યું છે, પરંતુ સમગ્ર પ્રક્રિયામાં કૌભાંડની શંકા પ્રબળ બનવા ઉપરાંત અરજી કરેલા લાખો ઉમેદવારોને ફટકો પડ્યો છે.

૧૩ ઓક્ટોબરના રોજ જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરની ભરતી પ્રક્રિયા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અનુસંધાને લાખથી વધુ ઉમેદવારોએ ગુજરાતમાંથી ઓનલાઈન અરજી કરી હતી. હવે આખી ભરતી પ્રક્રિયા રદ કરાતાં અરજદારોમાં દેકારો બોલી ગયો છે. વીજ કંપની દ્વારા અરજદારોએ ભરેલી ફી અઠવાડિયામાં પરત કરાશે તેવી જાહેરાત કરાઈ છે તેમજ નવી ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી હવે પછી આપવામાં આવશે તેવું જણાવાયું છે.

You might also like