મેક્સિકોની જેલમાં રમખાણો 52 કેદી સહિત 60નાં મોત

મોન્ટેરે (મેક્સિકો): મેક્સિકોના ઉત્તર પૂર્વીય શહેર મોન્ટેરેની જેલમાં રમખાણો ભડકી ઊઠતાં ૫૨ કેદી સહિત કુલ ૬૦નાં મોત થયાં છે. સ્થાનિક મિલેનિયો ટીવીના અહેવાલ અનુસાર નિઓ લિયોન પ્રાંતના મોન્ટેરે શહેરની ટોપો ચિકો જેલમાં વહેલી સવારે ભડકી ઊઠેલાં રમખાણો અને અથડામણોમાં ઓછામાં ઓછા ૬૦ લોકોનાં મોત થયાં હતાં અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.

કેદીઓએ એક બીજા પર હુમલો કરવા માટે બેટ્સ અને લાકડીઓ અને બ્લેડનો ઉપયોગ કર્યો હતો અને જેલની એક કોટડીમાં આગ ચાંપી દીધી હતી. ગવર્નર જેમી રોડરિગે જણાવ્યું હતું કે આ અથડામણો ૩૦થી ૪૦ મિનિટ સુધી ચાલી હતી.  તેમણે જણાવ્યું હતું કે બે હરીફ જૂથોના નેતાઓ વચ્ચે થયેલા વિવાદને પગલે જેલમાં રમખાણો ભડકી ઊઠ્યાં હતાં. કેદીઓનાં સગાં સંબંધીઓએ જણાવ્યું હતું કે આ અથડામણમાં ગોળીબાર પણ થયા હતા અને જેલની બહાર આગની જ્વાળાઓ દેખાઈ હતી. પોતાના સંબંધીઓ અંગે માહિતી મેળવવા જેલની બહાર લોકોનાં ટોળાં જમા થયાં હતાં.

નિઓ લિયોન પ્રાંતની સરકારે ટ્વિટર પર જણાવ્યું હતું કે સ્થિતિ હવે નિયંત્રણ હેઠળ છે. જોકે સરકાર તરફથી આ ઘટનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી. જેલના ડાયરેક્ટર જ્યોર્જિયા સાલાજરે સગાં સંબંધીઓને જણાવ્યું હતું કે જેલના બે વિસ્તારમાં કેદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કેદીઓની બેરેક અને ગોડાઉનમાં આગ ચાંપી દેવામાં આવી હતી.

જ્યારે નામદાર પોપ ફ્રાન્સિસ મેક્સિકોના ઉત્તરીય શહેર સિઅુડાડ જુવારેજની એક જેલની મુલાકાત લેનાર હતા ત્યારે આ ઘટના ઘટી હતી. આ વિસ્તાર ડ્રગ તસ્કરો વચ્ચે હિંસા માટે કુખ્યાત ગણાય છે અને મેક્સિકોમાં ડ્રગ માફિયા વચ્ચે હિંસા અને જેલ તોડવાની ઘટનાઓ સામાન્ય રીતે બનતી રહે છે. વર્ષ ૨૦૧૩માં આવી જ એક હિંસામાં ૧૩ના મોત થયા હતા. એક વર્ષે મોન્ટેરેની અપોડાકા જેલમાં થયેલી હિંસામાં ૪૪ કેદીઓ માર્યા ગયા હતા અને ૩૦ ફરાર થઈ ગયા હતા.

You might also like