મેક્સિકાેની લાઈબ્રેરીમાં ફાયરિંગ થતાં બેનાં મોતઃ ચારને ઈજા

મેક્સિકો: થોડા દિવસ પહેલાં જ બાર્સિલોનામાં આતંકી હુમલો થયો હતો ત્યારે હવે મેક્સિકોની એક લાઈબ્રેરીમાં ફાયરિંગ થતાં બે વ્યકિતનાં મોત થયાં છે અને અન્ય ચાર વ્યકિતને ઈજા થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોકો ભયના માર્યા લાઈબ્રેરીમાંથી ભાગવા લાગ્યા હતા, જોકે આ ઘટનામાં પોલીસે શંકાના આધારે એકની ધરપકડ કરી છે.

બીજી તરફ આ ઘટના અંગે હજુ કોઈ ખાસ માહિતી મળી નથી કે આ ફાયરિંગની ઘટનાને આતંકવાદી હુમલો માની શકાય. ન્યુ મેક્સિકોના બલોવિસ સિટીમાં આવેલી લાઈબ્રેરીમાં ગઈ કાલે સાંજે ચાર વાગ્યે એકાએક ફાયરિંગ થતાં તેમાં બે વ્યકિતનાં મોત થયાં હતાં અને અન્ય ચારને ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ ફાયરિંગ એક યુવક દ્વારા કરવામા આવ્યું હતું. બલોવિસ સિટીના મેયર ડેવિડ લાંસફોર્ડે આ ઘટના અંગે દુઃખ વ્યકત કરી જણાવ્યું હતું કે આવી ઘટના આપણા સમુદાય માટે મોટા આઘાત સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ લાઈબ્રેરીમાં આવું ફાયરિંગ કેમ થયું હતું તે અંગેનું કારણ જાણવા મળ્યું નથી. મેયરે આ ઘટના અંગે યોગ્ય પગલાં લેવા સૂચના આપી છે.

You might also like