મેક્સિકોમાં ૭.૧નો ભીષણ ભૂકંપઃ 250થી વધુ લોકોનાં મોત

મેક્સિકો સિટી: મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીમાં મંગળવારે મોડી રાતે આવેલા ૭.૧ની તીવ્રતાના ભયાનક ભૂકંપને કારણે 250થી વધુ લોકોનાં મોત થયાં છે અને અસંખ્ય ઇમારતો ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે હજુ સેંકડો લોકો દબાયા હોવાની દહેશતના પગલે મૃત્યુઆંક વધવાની શકયતા છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ રાત્રે ૧૧.૪પ કલાકે આવ્યો હતો. મેક્સિકોમાં ૧૯૮પમાં આવેલા સૌથી પ્રલયકારી ભૂકંપની ૩રમી વરસીના દિવસે જ આ ભૂકંપ આવતાં સમગ્ર મેક્સિકોમાં ભારે ભયભીત વાતાવરણ સાથે અફરાતફરી મચી ગઇ હતી.

આ ભૂકંપનું કેન્દ્ર પાડોશી પ્યુબલા પ્રાંતમાં ચીયાઉતલાડી તાપ્યાથી સાત કિ.મી. પશ્ચિમમાં અને પર કિ.મી. ભૂગર્ભમાં ઊંડાઇએ હતું. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા ૭.૧ હતી. જ્યારે મેક્સિકોની સિસ્મોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર ભૂકંપની તીવ્રતા ૬.૮ હતી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે બે કરોડની વસ્તી ધરાવતું મેક્સિકો સિટી હચમચી ગયું હતું અને લોકો ભય અને ડરના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા.

૧૯૮પમાં ૩ર વર્ષ પહેલાં આ જ તારીખે આવેલા ભૂકંપમાં ૧૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ભૂકંપને લઇ વિમાની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. રાહત અને બચાવકાર્ય પુરજોશમાં ચાલી રહ્યાં છે. મેક્સિકોમાં ૧ર દિવસની અંદર બીજો ભૂકંપ આવ્યો છે. બે અઠવાડિયા પૂર્વે આવેલા ભૂકંપમાં ૯૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભૂકંપના કારણે ખુવારીની સંખ્યા વધવાની શકયતા છે, જેમ જેમ કાટમાળ હટાવાશે તેમ તેમ ખુવારી અને મૃત્યુની સાચી સંખ્યાનો અંદાજ આવી શકશે.

મેક્સિકો સિટીના મેયર મીગુએલ મેન્સેરાનું કહેવું છે કે મેક્સિકોના પાટનગર એકલામાં ૪૪ ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે. ભૂકંપના કારણે હજારો લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. મેક્સિકોની એક પર વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે હું ખૂબ જ ડરી ગઇ છું. મારાં આંસુ રોકી શકતી નથી. ૧૯૮પની એ ભયાનક રાત આજે યાદ આવી ગઇ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ આપત્તિ પર દુઃખ વ્યકત કરતું ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અમે તમારી સાથે જ છીએ અને હંમેશાં તમારી સાથે જ રહીશું.

મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ એનરીક પેના નિએટોએ લોકોને અપીલ કરી છે કે તેઓ રસ્તા રોકાય નહીં, જેથી ઇમર્જન્સી સેવાઓ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં સહેલાઇથી પહોંચી શકે. અહેવાલો અનુસાર મેક્સિકો સિટીની એક સ્કૂલમાં બાળકો પણ ભૂકંપના કારણે ફસાઇ ગયાં છે અને તેમને રાહત પહોંચાડવા ઇમર્જન્સી ટીમો પહોંચી ગઇ છે.

You might also like