મેટ્રો રેલવેઃ વસ્ત્રાલમાં પાંચ મંદિર તોડાયાં, હજુ છ મંદિર તોડાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરલ પાર્ક સુધીના મેગા કંપનીના મેટ્રો રેલવેના પાઇલટ પ્રોજેકટના કામમાં ગતિ લાવવા ઓપરેશન ડિમોલેશન હાથ ધરાયું છે. જે અંતર્ગત વસ્ત્રાલમાં પાંચ મંદિરો તોડી નંખાયાં છે અને હજુ છ મંદિર તોડવામાં આવશે.

મેટ્રો રેલવે પ્રોજેકટના કામ માટે ન્યુ કોટન મિલ ચાર રસ્તાથી એપરલ પાર્ક સુધીનો માર્ગ આગામી તા.૩૧ ડિસેમ્બર ર૦૧૬ સુધી સદંતર બંધ રહેવાનો છે. જ્યારે રબારી કોલોની ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા અમરાઇવાડી સુધીનો રોડ વનવે કરાયો છે. આની સાથે સાથે મ્યુનિ. કોર્પોરેશન મેટ્રો રેલવેને નડતરરૂપ બાંધકામને દૂર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વસ્ત્રાલ ગામ પાસેનું જોગણી માતાનું મંદિર, વસ્ત્રાલના સ્વાગત ગ્રીન્સ પાસેનું જોગણી માતાનું મંદિર, વસ્ત્રાલના આનંદબાગ બંગલોઝની બાજુનું ચૂડેલ માતાનું મંદિર, મસાણી માતાનું મંદિર તેમજ ફુલબાઇ ઝોપડી માતાનું મંદિર એમ કુલ પાંચ મંદિરનેે તંત્ર દ્વારા દૂર કરાયાં છે.

પૂર્વ ઝોનના એસ્ટેટ અધિકારી રાજેન્દ્ર જાધવ કહે છે કે, આગામી દિવસોમાં વસ્ત્રાલના રામેશ્વર એપાર્ટમેન્ટની સામેનું હનુમાનજીનું મંદિર, વસ્ત્રાલની હીરાબા સ્કૂલની સામેનું શકિતમાનું મંદિર તેમજ આઇશ્રી ખોડિયાર માતાનું મંદિર, ખારીકટ કેનાલ ઇરીગેશન ઓફિસની આગળના ભાગમાં આવેલું કપિ બલવંંત હનુમાનજીનું મંદિર અને વસ્ત્રાલના સંસ્કૃતિ વિદ્યા મંદિરની સામે આવેલું અંબે માતાનું મંદિર અને પાર્વતીનાથનું મંદિર તોડવામાં આવશે.

You might also like