મેટ્રો રેલઃ થલતેજમાં ૩૮૦થી વધુ મિલકત પર હથોડા ઝીંકાશે?

અમદાવાદ: શહેરમાં થલતેજથી વસ્ત્રાલ સુધીની મેટ્રો રેલનો રુટ પ્રારંભથી વિવાદોમાં સપડાયો છે તેમાં પણ હેલ્મેટ સર્કલથી થલતેજ ગામથી શાકમાર્કેટ સુધીના હયાત રસ્તાને પહોળો કરવાની બાબત ભારે વિવાદાસ્પદ બની છે. આ સંદર્ભે તંત્રની સામે અસરગ્રસ્તો આંદોલન પણ છેડી ચુક્યા છે. જોકે હવે સત્તાવાળાઓએ આ રસ્તા ઉપરની ૩૮૦ થી વધુ મિલકતો સામેની ધોંસ વધારતાં આગામી દિવસોમાં નવેસરથી વિવાદનાં વમળો સર્જાશેે.

ગત તા.૧૦ જૂન ર૦૧૬ નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા મેમનગરના હેલ્મેટ સર્કલથી થલતેજ ચાર રસ્તા થઇ થલતેજ ગામ તળ સુધીના આશરે ૮૦૦ મીટર લાંબા રસ્તાને ૩૬ મીટર પહોળો કરવા માટે ૩૮૦ મિલકતોને નોટિસ ફટકારતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આની પહેલાં માર્ચ ર૦૧પમાં તંત્ર હરકતમાં આવતાં અસરગ્રસ્તો દ્વારા સત્તાવાળાઓ વિરુદ્ધ જલદ કાર્યક્રમો અપાયા હતા.

કોર્પોરેશનની રોડ લાઇન તપાસનો વિરોધ કરવા સ્થાનિક સ્તરે થલતેજ ઘર દુકાન બચાવ સમિતિનું ગઠન કરાયું છે. થલતેજના અસરગ્રસ્તોએ અગાઉ ઉગ્ર દેખાવો પણ કર્યા હતા.અસરગ્રસ્તોમાં રોડ લાઇન કપાતમાં ફક્ત જમણી બાજુના કપાત સામે આજે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દરમ્યાન ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સમક્ષ હયાત રસ્તાને ૩૬ મીટર પહોળો કરવા અંગે રોડ લાઇનમાં આવતી મિલકતોના અસરગ્રસ્તોને જીપીએમસી એકટની કલમ ર૧ર(ર) મુજબની નોટિસો ફટકારવા અને નોટિસની મુદત દરમ્યાન અમલના થાય તો મુદત વિત્યેથી જીપીએમસી એકટની કલમ ર૧ર(૩) મુજબ ખાતાકીય અમલ કરવાની દરખાસ્ત મુકાઇ છે.

ઉલ્લેખનીય છે કે ગત જૂન મહિનામાં થલતેજ ઘર, દુકાન બચાવ સમિતિના પ્રમુખ મૂકેશ પંચાલ અને ઉપપ્રમુખ રમેશ ઠાકોરના નેતૃત્વ હેઠળ આશરે ૧૦૦૦ અસરગ્રસ્તોએ સ્થાનિક કોર્પોરેટર અને મ્યુનિ. ભાજપના દંડક લાલાભાઇ ઠાકોરની ભાઇકાકા ભવન ખાતે આવેલી ઓફિસને ઘેરાવ કર્યો હતો.

સ્થાનિક રહીશો કહે છે, “મેમનગરના હેલ્મેટ સર્કલથી થલતેજ ચાર રસ્તા થઇ થલતેજ ગામ તળનો આશરે ૮૦૦ મીટર લાંબો રસ્તો ૩૬ મીટર પહોળો કરવાનો થાય છે. હેલ્મેટ સર્કલથી થલતેજ ચાર રસ્તા સુધીનો રસ્તો હાલમાં ૩૦ મીટર પહોળો છે જ્યારે થલતેજ ચાર રસ્તાથી ગામતળ સુધીનો રસ્તો ૧રથી ૧૪ મીટર પહોળો છે.

થલતેજ ગામના અસરગ્રસ્તો કહે છે કે, રોડલાઇન કપાત હેઠળ તંત્ર જમણી બાજુ કપાત કરવાનું નથી. ડાબી બાજુ કપાત થવાની હોઇ આ બાબત અન્યાયકારક છે. અન્ય ગામતળ વિસ્તારમાં રસ્તો પહોળો કરવાની કામગીરી થતી નથી તો ફક્ત થલતેજ ગામતળને કેમ નિશાન બનાવાય છે ?

You might also like