મેટ્રો રેલ ડેપોનાં નિર્માણથી અમરાઇવાડી, ગોમતીપુર અને ખોખરાના નાગરિકો પરેશાન

અમદાવાદ: અમદાવાદમાં મેગા કંપની દ્વારા મહત્ત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ પ્રોજેક્ટ ઉત્તર-દ‌િક્ષણ કોરિડોર અને પૂર્વ-પશ્ચિમ એમ બે કોરિડોરમાં થવાનો છે, જે પૈકી પૂર્વ-પશ્ચિમ કોરિડોર હેઠળ સત્તાવાળાઓએ ગોમતીપુરની બંધ મિલ ન્યુ કોટનમાં વિશાળ ડેપોના નિર્માણનું કામ હાથ ધર્યું છે, જોકે આ ડેપોના નિર્માણથી અમરાઇવાડી, ગોમતીપુર અને ખોખરા એમ ત્રણ-ત્રણ વોર્ડના નાગરિકો પરેશાન છે.

મેટ્રો રેલ સત્તાવાળાઓએ ડેપો નિર્માણની કામગીરીમાં નિયત હદ કરતાં કોર્પોરેશન વિસ્તારની હદમાં કામગીરી શરૂ કરતાં લોકોમાં રોષ ફેલાયો છે. ન્યુ કોટન મિલના કોટના પરિસરમાંથી પસાર થતા રસ્તા જેવા કે ડી-૩૦ ઇએસઆઇ હોસ્પિટલ, નાગપુર વોરાની નળિયાવાળી ચાલી, જેઠીબાઇની ચાલી, હીરાલાલની ચાલી વિસ્તારના રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખ કહે છે, “મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા છેક રોડ પર ૧પ-૧પ ફૂટ અંદર પતરાં ઠોકી બેસાડી દેવાયાં છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.”

બીજી તરફ મેટ્રો રેલ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ એમ. એસ. પુંજારા કહે છે, “સાવરણીવાળા સહિતના લોકોના દબાણ અટકાવવા બે‌િરકેડિંગ કરાયું છે. જ્યારે ડેપોના નિર્માણની કામગીરી ગ્રાઉન્ડ લેવલે આવશે એટલે કે બે-ચાર મહિના બાદ આ બે‌િરકેડિંગ દૂર કરાશે. અત્યારે તો લોકોની સુરક્ષા માટે આ જરૂરી છે.”

જોકે આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે ડેપોનું નિર્માણ બેથી અઢી વર્ષ ચાલશે અને હજુ તો ખાડા ખોદાયા હોઇ ગ્રાઉન્ડ લેવલે પણ આવ્યું નથી. ડેપોનું નિર્માણકાર્ય આઠ-દસ ફૂટે પહોંચે અને તે વખતે સંભવિત માલસામાન, સ્લેબ, રોડ પર પડીને લોકોને ઇજાગ્રસ્ત કરે તે બાબત બનવાજોગ છે, પરંતુ અત્યારના સંજોગોમાં મ્યુનિ. તંત્રના એસ્ટેટ વિભાગના આંખ આડા કાને અનેક પ્રશ્નો સર્જ્યા છે.

દરમિયાન આ અંગે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર જે. એસ. પ્રજાપતિને પૂછતાં તેઓ કહે છે, “સમગ્ર બાબતની તપાસ કરાશે અને જો લોકોને નડતરરૂપ બે‌િરકેડિંગ લાગશે તો એને દૂર કરવાની સૂચના પણ અપાશે.”
http://sambhaavnews.com/

You might also like