મેટ્રો-મીરજાપુર કોર્ટની સુરક્ષા રામભરોસેઃ પગલાં ભરવા પોલીસની તાકીદ

અમદાવાદ: અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ તથા મીરજાપુર કોર્ટમાં સુરક્ષાના મામલે અનેક છીંડાં છે. બંને કોર્ટમાં સુરક્ષા માટે પૂરતા સીસીટીવી કેમરા તથા સ્કેનર મશીન નહીં હોવાનું ધ્યાનમાં આવતાં શહેર પોલીસે આ અંગે પગલાં લેવા બંને કોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતમાં આઇએસ પોતાનો પગપેસારો કરી રહી છે. આંતકી પ્રવૃત્તિને લઇને તમામ સુરક્ષા એજન્સીઓ ચિંતીત છે. ત્યારે શહેરની ધીકાંટા વિસ્તારમાં આવેલી મેટ્રો પોલિટન કોર્ટ તથા મીરજાપુર વિસ્તારમાં આવેલી ગ્રામ્ય કોર્ટમાં સુરક્ષાને લઇને છીંડાં જોવાં મળ્યાં છે. નવ માળની આ હાઇરાઇઝ બિ‌લ્ડિંગમાં કોઇપણ પ્રકારના સીસીટીવી કેમેરા તથા સ્કેનર મશીનો નહી મળતાં કોર્ટમાં આવતા હજારો વકીલો, પોલીસકર્મી, ન્યાયાધીશો, પક્ષકારો સહિતના અન્ય લોકોની સુરક્ષા પર સવાલ ઊભો થયો છે.

બંને કોર્ટમાં સુરક્ષાને લઇને ઝોન રના ડીસીપી ઉષા રાડાએ કારંજ તથા શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસના આદેશ કર્યા હતા. બંને પોલીસ ઇન્સ્પેક્ટરે કોર્ટમાં કોઇપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાનો રિપોર્ટ કર્યો હતો. ડીસીપીએ  આ રિપોર્ટના આધારે કોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે રજિસ્ટ્રારને પત્ર લખ્યો છે. મેટ્રો કોર્ટ તથા મીરજાપુર કોર્ટમાં તમામ ફ્લોર ઉપર સીસીટીવી કેમેરા લગાવવા, સ્કેનર મશીન મૂકવા, મહિલાઓ માટે એનક્લોઝર મશીન મૂકવા, પાર્કિગમાં સીસીટીવી તથા લાઇટ લગાવવા માટેના સૂચન કર્યાં છે.

આ મુદ્દે ડીસીપી ઉષા રાડાએ જણાવ્યું હતું કે મેટ્રો કોર્ટમાં અગાઉ બોમ્બ મૂકવાની અસંખ્ય ફરિયાદો મળી હતી તદઉપરાંત કોર્ટમાં સીસીટીવીનો અભાવ છે. સ્કેનર મશીનો તથા મહિલા માટે એનક્લોઝર મશીનો નથી માટે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રજિસ્ટારને પત્ર લખવામાં આવ્યો છે. અા મુદ્દે મેટ્રો કોર્ટના રજિસ્ટ્રાર પીએમ ગર્ગે જણાવ્યું છે કે સીસીટીવી કેમેરાના મુદ્દે હાઈકોર્ટે કામગીરી સોંપી છે ત્યારે સ્કેનર મશીન અને અન્ય સુરક્ષાને લઈને મેટ્રો મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઅાત કરી છે.

મેટ્રોપોલિટન ગ્રામ્ય કોર્ટમાં સ્કેનર મશીન પણ ગાયબ થઇ ગયું
અમદાવાદ ગ્રામ્ય કોર્ટ જે નવ માળની છે. જેમાં કુલ ૪૦ જેટલી કોર્ટે આવેલી છે આ કોર્ટમાં કોઇપણ સીસીટીવી કેમેરા લગાવેલા નથી તદઉપરાંત આ કોર્ટમાં એક સ્કેનર મશીન મૂકવામાં આવ્યું હતું. જે છેલ્લા ઘણા સમયથી ગાયબ થઇ ગયુ છે
કોર્ટને બોમ્બથી ઉડાવવા ધમકીઅો મળી છે
• મેટ્રોપોલિટન કોર્ટને પાંચ કરતાં વધુ વખત બોમ્બથી ઉડાવવાની ધમકીના પત્રો મળ્યા છે.
• મેટ્રોપોલિટન કોર્ટમાં તાજેતરમાં મારામારી થઇ હતી.
• મેટ્રોપોલિટન કોર્ટમાં દારૂની મહેફિલો પણ યોજાઈ હતી
• આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ જાય છે.
• મીરજાપુર કોર્ટમાં ગેંગસ્ટર સુભાષ ઠાકોરના મુદ્દે ફાયરિંગ થયેલું છે.
• વિસ્મય કેસમાં લોકો હથિયારો લઇને આવ્યા હતા.

બે કોર્ટમાં ચાલતા ચકચારી કેસ
• દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ
• મેઘા પાટકર પર થયેલા હુમલાનો કેસ
• સાદિક જમાલ, ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ
• અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ
• ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાકાંડ કેસ

હજારો લોકોની અવરજવર પર માત્ર ત્રણ કેમેરાની નજર
ઘીકાંટામાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટ આઠ માળની છે અને તેમાં ર૬ કોર્ટે આવેલી છે. દરરોજ આ કોર્ટમાં ૧પ,૦૦૦ કરતાં વધુ લોકો અવરજવર કરી રહ્યા છે. તે તમામની સુરક્ષા ત્રણ કેમેરા ઉપર આધારિત છે. જેનું રેકોર્ડિંગ માત્ર એક સપ્તાહ સુધી ચાલે છે જોકે આ કેમેરા હાઇડેફિનેશનના નથી અને તેનું કોઇ સર્વેલન્સ પણ થતું નથી. ત્યારે મેટ્રોના પાર્કિંગમાં અંધારપટ છે અને મેટ્રોપોલિટન કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ સહિતનાં હજારોની સંખ્યામાં વાહનો પાર્કિગ કરવામાં આવે છે

You might also like