Metro Diary: પૂર્વ વિસ્તારમાં બ્રિજ પ્રોજેકટ કેમ નથી? ભાજપમાં ભડકો

Autoહાઈકોર્ટના આદેશનું કોઈ પાલન નહીં
વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગુજરાત હાઈકોર્ટમાં એક ‌રિટ થઈ હતી અને આ ‌રિટના અનુસંધાનમાં ગુજરાત હાઈકોર્ટે સ્કૂલવાન અને ‌રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ વિદ્યાર્થીઓને ભરવા સામે પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ પોલીસ દ્વારા ચેકિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ સ્કૂલવાન કે રિક્ષામાં ગણતરીના વિદ્યાર્થીને લેવા તેમ છતાં શહેરમાં કેટલાય ‌રિક્ષાચાલકો હજુ પણ આપેલા આદેશનું કોઈ પાલન કરતા નથી.

amc-123પૂર્વ વિસ્તારમાં બ્રિજ પ્રોજેકટ કેમ નથી? ભાજપમાં ભડકો
અમદાવાદનો સમતોલ વિકાસ કરવાને બદલે જાણે-અજાણ્યે મ્યુનિ. સત્તાધીશો દ્વારા પૂર્વ અને પશ્ચિમનો ભેદભાવ થઇ રહ્યો છે. પશ્ચિમ અમદાવાદ તરફ શાસકોની અમી દ્રષ્ટિ વિશેષ રહી છે. જ્યારે પૂર્વ અમદાવાદ પ્રત્યે ઉપેક્ષા દાખવામાં આવી રહી છે. આવા આક્ષેપો નાગરિકો જ નથી કરતા ભાજપના કોર્પોરેટરો પણ કરે છે. તાજેતરમાં મ્યુનિ. કમિશનરના ડ્રાફટ બજેટમાં પશ્ચિમના ઇન્કમટેકસ અને અંજલિ ચાર રસ્તા ખાતે બ્રિજના બે કામ મુકાયાં, પરંતુ આ બાબતથી ભાજપમાં ભડકો પેદા થયો છે. ભાજપના કોર્પોરેટરો તો લેખિતમાં ઉચ્ચ હોદ્દેદારોને પૂર્વ વિસ્તારમાં બ્રિજ પ્રોજેકટ કેમ મૂકતા નથી? તેવો ધારદાર પ્રશ્ન પૂછી રહ્યા છે. પણ હોદ્દેદારો નિરૂત્તર છે! સાબરમતી નદીનાં વહેણથી શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું છે તે તો જાણે કે પ્રકૃતિની કરામત છે, પરંતુ શહેરીજનો પ્રત્યે વહાલાં-દવલાંની નીતિ રાખનારા શાસકોની કરામત સ્વપક્ષના કોર્પોરેટરોને જ દઝાડી રહી છે. ભાજપ જેવા શિસ્તબદ્ધ ગણાતા પક્ષ માટે આ બાબત ગંભીર છે. શું પક્ષના ખાનપુર-ગાંધીનગરના સર્વેસર્વા શહેરને સર્વાંગી વિકાસ આપી શકશે ખરા? કે પછી બસ વાતો જ કરાશે?

મિટિંગ માટે દોડેલા સરકારી વકીલોને ધરમ ધક્કા
સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના સરકારી વકીલોની એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના વડા સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે ૧૧ પૈકીના નવ સરકારી વકીલો પાંચ વાગે પહોંચીને મિટિંગમાં આવ્યાની જાણ કરી હતી. વકીલોની ટીમને જોઈને પહેલાં તો એસીબીના અધિકારીઅો ચોંકી ઉઠ્યા હતા. વકીલો સાથે વાત કર્યા બાદ અધિકારીઅોઅે આવી કોઈ મિટિંગ રાખવામાં આવી જ નથી તેમ જણાવ્યું હતું. તે જાણીને હવે ચોંકાવાનો વારો વકીલોનો હતો. છેવટે નવેય વકીલો પરત ફર્યા હતા. જો કે યોગ્ય કોમ્યુનિકેશનના અભાવે આ ગોટાળો થયો હતો. વાત એમ હતી કે મુખ્ય સરકારી વકીલે મિટિંગમાં જવા સરકારી વકીલોને જણાવ્યું હતું.

batataબટાકા વધુ મીઠા લાગશે
સ્થાનિક બજારમાં બટાકાની નવી આવક ફેબ્રુઆરી મહિનાના બીજા-ત્રીજા સપ્તાહમાં શરૂ થઇ જતી હોય છે. તે સામે બજારમાં આવક વધવાની સાથે ભાવ પણ ઘટતા હોય છે, પરંતુ આ વખતે નવી આવક મબલક આવવાનાં એંધાણ પાછળ બટાકાના ભાવ ગગડી રહ્યા છે. ભાવ ઘટતાની સાથે શાકના રાજા ગણાતા બટાકા હવે જીભે વધુ મીઠા લાગશે. સ્થાનિક બજારમાં એક મહિના પૂર્વે બટાકા કિલોએ રૂ. ૧૫થી ૧૮ના ભાવે વેચાઇ રહ્યા હતા. તે આજકાલ નવી આવક આવતાં પૂર્વે કિલોએ રૂ. બેથી ત્રણ ઘટી ગયા છે અને કિલોએ ૧૨થી ૧૫ રૂપિયાના ભાવે બજારમાં વેચાઇ રહ્યા છે. હવે જોવાનું એ રહે કે નવી આવક આવતાં હજુ વધુ ભાવ કેટલા તૂટે છે? આમ, ડુંગળીની પાછળ હવે બટાકાના ભાવ પણ ગગડી રહ્યા છે.

જીટીયુના પદવીદાન સમારોહના ડ્રેસકોડ માટે સાડી અને કોટી ખરીદવામાં આવ્યાં હતાં
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ગત તા. 28 જાન્યુઆરીના રોજ પાંચમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ઉપસ્થિત રહેલા મહેમાનો, કુલપતિ, અધ્યાપકો અને અધિકારીઓ બંડીના ડ્રેસકોડમાં અને મહિલાઅો સાડીના ડ્રેસકોડમાં જોવામાં આવ્યાં હતાં. આ સમારોહમાં મહેમાનો, કુલપતિ, ડીન અને અધ્યાપકો કેસરી રંગની બંડીઅો અને અ‌િધ‍કારીઅો બ્લેક કલરની બંડીઅો અને વર્ગ-3ના કર્મચારીઅો ટીશર્ટ અને મહિલાઅો સાડી પહેરેલાં જોવા મળ્યાં હતાં. આ અંગે વધુ તપાસ કરતાં આ કોટી, ટીશર્ટ અને સાડીઅોની જીટીયુ દ્વારા ખાસ પદવીદાન સમારોહ માટે ખરીદી કરવામાં આવી હતી, જેમાં મહેમાનો, કુલપતિ, ડીન અને અધ્યાપકો માટેની કેસરી બંડીઅો રૂ.1100ના ભાવે, બ્લેક બંડી રૂ.700ના ભાવે અને સાડીઅો રૂ.700 અને ટીશર્ટ રૂ. 500ના ભાવે ખરીદ કરવામાં આવ્યાં હતાં. તમામ ડ્રેસ આમંત્રિતોને ભેટ આપી દેવાયા હતા.

You might also like