Metro Diary: ‘મહેરબાની કરીને અહીં વાહન પાર્ક કરવાં નહીં’

diary-1વેટની ચેકપોસ્ટ પરના ઓર્ડરથી ના‘રાજી’
વેટ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં ચેકપોસ્ટ ઉપર ૧પ૦થી વધુ કર્મચારીઓને છ મહિનાનો ઓર્ડર કર્યો છે. સામાન્ય રીતે ચેકપોસ્ટ પર ચાર મહિનાના ઓર્ડર થતા હોય છે, પરંતુ આ વખતે છ મહિનાના ઓર્ડર થયા છે. જેના કારણે કર્મચારીઓમાં રાજી કરતાં નારાજી વધુુ જોવા મળી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે ચેકપોસ્ટ ફરજ ઉપરનો છ મહિનાનો સમય એટલે કુટુંબથી દૂર… લાઇફ ડિસ્ટર્બ થઇ જાય છે!! હવે ચાર મહિનાના બદલે છ મહિના એટલે કે બે મહિના વધુના ઓર્ડર કરતાં કર્મચારીને રાજી કરાવે છે કે નારાજી તે તો સમય જ કહેશે! પરંતુ વેટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓમાં ઓર્ડર મળતાં ભારોભાર નારાજી અને આક્રોશ ચોક્કસ જોવા મળી રહ્યો છે.

‘મહેરબાની કરીને અહીં વાહન પાર્ક કરવાં નહીં’
શહેરના પાલડી સરદારબ્રિજ નીચે સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.આ પોલીસ સ્ટેશનની બાજુમાં ખુલ્લી જગ્યા આવેલી છે જ્યાં પોલીસ કર્મચારી પોતાનાં વાહનો કરે છે. આ પોલીસ સ્ટેશનની બહાર રિવરફ્રન્ટ પર આવતાં કપલો પોતાનાં વાહનો પાર્ક કરી અને મૂકી દે છે.બ્રિજ પરથી અથવા રિવરફ્રન્ટ પરથી કપલો આપઘાત કરતાં હોય છે અથવા મા-બાપ,સગાં સંબંધી વાહન ન ઓળખી જાય માટે પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં વાહનો મૂકી દે છે.જેથી પોલીસે બહાર દીવાલ પર જ લખી નાખ્યું છે કે ‘મહેરબાની કરીને અહિયાં વાહન પાર્ક કરવાં નહિ’.


AMC-Office-(4)પહેલી સ્ટેન્ડિંગ કમિટીમાં જ ‘ટોકન’ કામોનો વરસાદ વરસ્યો!

સામાન્ય નાગરિકોના નળ, ગટર, પાણીની પ્રશ્નોના નિરાકરણ માટે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. કમનસીબે બહુ ઓછા કોર્પોરેટરો નળ, ગટર, પાણી એટલે કે ‘નગર’ની ચિંતા કરે છે. મોટા ભાગના તો એક અથવા બીજા નેતા કે વગદાર વ્યક્તિ કે વગદાર સંસ્થાની ‘ગુડ બુક’માં રહેવા જ સતત મથ્યા કરે છે. આવા કહેવાતા મોટા લોકોનાં કામને ચપટી વગાડતાંની સાથે કરવા આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાંફળા-ફાંફળા થઈને દોડતા રહે છે. કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીના તાકીદના એજન્ડામાં શહેરીજનોને કનડતી કોઈ સમસ્યાને લગતી દરખાસ્ત તો છેલ્લાં કેટલાંય વર્ષથી જોવા જ મળતી નથી. તાકીદનાં કામોમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ‘ટોકન’ કામોનો વરસાદ વરસાવે છે. ફલાણી-ઢીંકણી સંસ્થાને ટોકન ચાર્જથી સફાઈ, પીવાના પાણીનાં ટેન્કર, મોબાઈલ ટોઈલેટ વાન, મેદાન, મ્યુનિ. પ્લોટ, સાઈનેઝ બોર્ડ, હોલ વગેરે ફાળવવાની દરખાસ્તોના ઢગલેઢગલા ખડકાય છે. ગઈ તા. ૭ જાન્યુઆરીએ મળેલી નવી ટર્મની પહેલી સ્ટેન્ડિંગ કમિટીના તાકીદના એજન્ડાની કુલ ૨૭ પૈકી ૨૫ દરખાસ્તો તો ‘ટોકન’ કામોની હતી! હવે સામાન્ય અમદાવાદીઓએ જ કોર્પોરેટરોની ભૂમિકા વિશે શાનમાં સમજી લેવાનું રહે છે.

ગ્રામ્ય કોર્ટમાં ઇન્કવાયરી કાઉન્ટર શરૂ કરાયું
અમદાવાદની મીરજાપુર ખાતે આવેલી ગ્રામ્ય કોર્ટમાં ઇન્કવાયરી કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છેકે મીરજાપુર કોર્ટ 9 માળની અને તેમાં ગ્રામ્ય કોર્ટ સિવાય, સીબીઆઇ કોર્ટ, સેન્ટ્રલ એન્જસીઓની કોર્ટ, તથા મોટા ભાગનાં પોલીસ સ્ટેશનોની સંબંધી કોર્ટ પણ આવેલી છે. હાઇરાઇઝ બિલ્ડિંગમાં કઇ કોર્ટ ક્યાં આવી છે તે માટે મીરજાપુર કોર્ટમાં ઇન્કવાયરી કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રોજબરોજ આ કોર્ટમાં હજારોની સંખ્યામાં પોલીસ, વકીલ તથા પક્ષકારો આવતા હોય છે. જેમાં ઘણી વખત કઇ કોર્ટ કઇ જગ્યાએ આવી છે તે શોધવા માટે મુશ્કેલી ઊભી થતી હોય છે. જે માટે મીરજાપુર કોર્ટમાં ડાબી બાજુએ લિફ્ટની પાસે ઇન્કવાયરી કાઉન્ટર શરૂ કરાયું છે. આ ઇન્કવાયરી કાઉન્ટરમાં તમામ કોર્ટની અને અન્ય ઓફિસોની વિગતો જાણવા મળશે.

flowerવિવિધ ઉત્સવોઅે રસ્તાની શોભા વધારી
અમદાવાદમાં શહેરના રસ્તાની શોભા વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર અવનવા પ્રયાસ કરવામાં આવતા હોય છે. શહેરની શોભા વધે અને સ્વચ્છતા જળવાય તે માટે શહેરના કેટલાક બ્રિજ પર કળશ મૂકવામાં આવ્યા છે.સાથેસાથે શહેરના કેટલાય ડિવાઈડર પર ફ્લાવર પોટ મૂકવામાં આવ્યા છે. આ ફ્લાવર પોટ મૂક્યા તે સમયે જુદા જુદા પ્લાન્ટ પણ વાવવામાં આવ્યા હતા. આ પોટ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. પરંતુ શહેરમાં યોજાતા સાબરમતી ફેસ્ટિવલ તેમજ અંતરાષ્ટ્રીય પતંગ ઉત્સવને કારણે આ ફ્લાવર પોટને પાછો નવો લુક આપવામાં આવ્યો છે.

You might also like