Metro Diary: મ્યુનિ. ભાજપના ‘દંડા’ વગરના દંડક

women-police-stationમહિલા પોલીસ સ્ટેશનમાં નીરવ શાંતિ!!
શહેરના નવરંગપુરા વિસ્તારમાં મહિલા પોલીસ સ્ટેશન આવેલું છે. આ મહિલા પોલીસ સ્ટેશનમાં સવારના દસ વાગ્યાથી પતિ પત્નીઓનાં, ઘરેલું હિંસા, સાસુ વહુ, હેરાનગતિના ઝઘડાઓ વગેરેને લઈ લોકો ફરિયાદ કરવા આવતા હોય છે. આખો દિવસ મહિલા પોલીસ સ્ટેશનનું પ્રાંગણ લોકોથી ભરેલું હોય છે પરંતુ ગુરુવારના દિવસે મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મીઓ પણ અચંબામાં પડી ગયા હતા. પોલીસ સ્ટેશનમાં સવારથી બપોર-સાંજ સુધી એક પણ વ્યક્તિ ફરિયાદ કરવા માટે આવી નહોતી. પોલીસ કર્મીઓમાં ચર્ચાઈ રહ્યું હતું, કે આજે કઈ બાજુથી સૂરજ ઊગ્યો છે. અને મહિલાઓ સાથેના ગુનાઓ પણ બંધ થઈ ગયા!!

judges-bangloes-roadજજીસ બંગલાથી ઇસરોનો રોડ અનેક થીગડાં માર્યાં છતાં ઠેરનો ઠેર
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના અતિ પોશ વિસ્તાર ગણાતા સત્યાગ્રહ છાવણીથી સેટેલાઇટ અને બોડકદેવ તરફ જતો બંને તરફનો રોડ બિસમાર અને ખાડાઓથી ભરપૂર ડિસ્કો રોડ બની ગયો હતો. તંત્રએ કામચલાઉ ધોરણે ઇંટોના ટુકડા ભરીને ખાડા મહદ્અંશે પૂર્યા અને હવે જ્યાં મોટા ખાડા હતા ત્યાં ડામરકામનાં થીંગડાં લગાવી દીધાં. બે કિલોમીટર જેટલા આ સળંગ જજીસ બંગલાથી ઈસરો સુધીના રોડ પર થીંગડાં વધુ અને જૂનો રોડ ઓછો દેખાય છે, જે જૂનો રોડ બચ્યો છે તેની હાલત પણ હજુ ડિસ્કો રોડ જેવી છે તો થીંગડાં મારવાનો અર્થ શો છે તે હજુ રાહદારીઓને સમજાતું નથી.

કેમ્પ હનુમાન દર્શન માટે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો
અમદાવાદનાં પ્રસિદ્ધ કેમ્પ હનુમાનના મંદિરમાં દર્શન કરવા માટેનો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મિલિટ્રી કેમ્પમાં આવેલા કેમ્પ હનુમાનના મંદિરમાં જવા માટેના મુખ્ય દરવાજાનું રિનોવેશનનું કામકાજ ચાલતું હોવાને કારણે આવનારા બે ત્રણ મહિના માટે મુખ્ય દરવાજા માટેની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. શનિવાર અને મંગળવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ કેમ્પ હનુમાનના મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે. તાજેતરમાં પઠાણકોટ એરબેઝ પર થયેલા હુમલા બાદ મિલિટ્રી વિસ્તારમાં સધન સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઇ છે ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ સાથે કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કેમ્પ હનુમાન મંદિર જવા માટેનો મુખ્ય દરવાજો નવો બનાવી રહ્યા છે. દર્શન માટે શ્રદ્ધાળુઓ માટે નવો રસ્તો બનાવ્યો છે.

સરકારી યોજનાઓનો પ્રચાર માટે ૯૦ હજાર નકલો મફત મોકલાશે
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પ્રસિદ્ધિ એ પ્રચાર કરવા માટે ગુજરાત રોજગાર સમાચાર અને ગુજરાત પાક્ષિકના ૯૦ હજાર અંકો જુદી જુદા સંસ્થાઓ, અધિકારીઓ અને પદાધિકારીઓને વિના મૂલ્યે આપવામાં આવશે. સનકલનો પ્રતિનકલ પ્રિન્ટિંગ અન પોસ્ટિંગ ખર્ચ જ રૂ. ૧૭.૫૫ અને રોજગાર સમાચારનો પ્રતિ નકલ ખર્ચ ૬.૭૬ થશે. જાન્યુઆરી ૨૦૧૬ની ગુજરાત પાક્ષિકની વિના મૂલ્ય નકલોનો ખર્ચ ૧૫ લાખ ૮૦ હજાર થશે. જ્યારે રોજગાર સમાચારનો ખર્ચ ૧ લાખ ૩૦ હજાર જેટલો થશે આમ સરકારી યોજનાઓની પ્રસિદ્ધિ અને પ્ચરા માટે આ માસે સરકાર ૧૬.૮૦ લાખ હજારનો ખર્ચ કરશે.

AMC-Officeમ્યુનિ. ભાજપના ‘દંડા’ વગરના દંડક
રાજકારણમાં લાગતાવળગતાઓને ઠેકાણે પાડવાના ખેલ થતા હોય છે, જેમાં જે તે ગોડફાધર પોતાના આશ્રિતને ગમે તેમ કરીને ગાડી-ઓફિસ મળે તેવી રમત રમી જાય છે. હવે કોર્પોરેશનમાં નવા જ ઊભા કરાયેલા શાસક પક્ષના દંડકનું જ ઉદાહરણ લો. એક મોટા માથાના ઇશારે થલતેજના કોર્પોરેટર (બીજી ટર્મના) લાલાભાઇ ઠાકોર ‘દંડક’ તો બની ગયા, કોર્પોરેશનમાં ત્રીજા માળે આલિશાન ઓફિસમાં બેસતા પણ થઇ ગયા, પરંતુ તેમનો કોઇ જાદુ જ સ્વપક્ષના કોર્પોરેટરો પર ચાલતો નથી. લાલ જાદુ-કાળો જાદુ એમ બધા પ્રકારના જાદુના મંત્ર-તંત્ર પક્ષના હિંદીભાષી નેતા બિ‌પિન સિક્કા પાસે છે તેવું ખુદ ભાજપ કાર્યાલયમાં રમૂજભેર કોર્પોરેટરોમાં ચર્ચાઇ રહ્યું છે. બિ‌પિન સિક્કાનો ‘સિક્કો’ પણ પક્ષમાં ચાલતો નથી, કેમ કે પક્ષના ખરા સર્વેસર્વા તો ખાનપુર-ગાંધીનગરમાં બેઠા છે એટલે લાલાભાઇ તો દંડા વગરના જ દંડક છે તેવું જ ભાજપના જ કેટલાક કોર્પોરેટરો કહે તો તેમાં નવાઇ પામવા જેવું કશું નથી. બસ, પ્રજાના માથે એક વધારાનો હોદ્દો-વધારાના પદાધિકારી, વધારાની ગાડી, વધારાનો સ્ટાફ, વધારાનો ચા-પાણી-નાસ્તા માટેનો ભાર ઝીંકાયો છે. આમાં તો ‘ખાયા ‌પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બાર આના’ જેવું પણ અમદાવાદીઓ કહી શકે તેમ નથી!

You might also like