Metro Diary: ફિક્સ પગાર નાબૂદ કરવા માટે પતંગ દ્વારા સંદેશો મોકલાવાશે

1આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-ર૦૧૬ની તૈયારીનો આરંભ
અમદાવાદમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગ મહોત્સવ તા.૧૦થી ૧૪ જાન્યુઆરી સુધી યોજાશે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કાઈટ ફેસ્ટિવલ યોજાવાનો હોય તેના મહિના અગાઉથી તંત્ર આયોજનમાં લાગી જતું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી ‌રિવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટિવલની તૈયારીમાં કરી દેવામાં આવી છે. અહીં આવતા આંતરરાષ્ટ્રીય પતંગબાજો, સુરત, વડોદરા, રાજકોટ, મોઢેરા પણ જઈ કાઇટ ફલાઈંગ કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માટે ગ્રાઉન્ડની પસંદગી ઉપરાંત કાઈટિસ્ટ્સનું ટ્રેડિશનલ સ્વાગત, સાંસ્કૃતિક પ્રોગ્રામ, સ્ટેજની તૈયારી તેમજ કાઈટિસ્ટ્સ માટેના સ્ટોલ, બે‌િરકેડિંગ વગેરે તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે.


sebiશેરબજારમાં વધુ લોભ કરવાથી રડવાનો વારો આવે!
ગુજરાતીઓ અને શેરબજારના વેપારને વર્ષો જૂનો સંબંધ છે. કમાણી કરે છે અને નુકસાની પણ ભોગવે છે, પરંતુ આજકાલ બિલાડીના ટોપની માફક શેરબજારના સલાહકારો ફૂટી નીકળ્યા છે. તેઓની સલાહ જ્યોતિષીની સલાહ જેવી હોય છે. સલાહ મુજબ ચાલનારને નુકસાનનો ભોગ પણ બનવું પડી શકે છે. સલાહકારો ઓછા સમયમાં વધારે ફાયદાવાળી સ્ક્રીપની સલાહના મેસેજ સોશિયલ મીડિયા દ્વારા ફરતા કરે છે. સેબીએ આવા મેસેજ સામે લાલ આંખ કરી છે. શેરબજારના રોકાણકારોને આવી વધારે ફાયદાવાળી સ્ક્રીપની સલાહ સામે સાવધાનીપૂર્વક વર્તવા ચેતવણી ઉચ્ચારી છે. સેબીએ પણ શેરબજાર અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સોશિયલ મીડિયાનો જ રસ્તો અપનાવ્યો છે. મોબાઇલ દ્વારા જ મેસેજ ફરતા કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યું છે કે કોઇ પણ સ્ક્રીપમાં રોકાણ કરતાં પહેલાં તપાસ કરવી હિતાવહ છે.

kite-1ફિક્સ પગાર નાબૂદ કરવા માટે પતંગ દ્વારા સંદેશો મોકલાવાશે
ઉત્તરાયણ નજીક આવતાંની સાથે બજારમાં રંગબેરંગી અને અલગ અલગ પ્રકારના પતંગનું વેચાણ શરૂ થઈ જતું હોય છે. ઘણા લોકો પતંગ પર સંદેશો પણ લખાવતા હોય છે, જ્યારે પાટીદારોએ સરકાર પાસે પોતાની અનામતની માગણી માટે આ વર્ષે ‘જય સરદાર , જય પાટીદાર’ લખાયેલા પતંગ બજારમાં વેચવા માટે મૂક્યા છે ત્યારે બેરોજગારી દૂર કરવા, ફિક્સ પગાર નાબૂદ કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટે સંઘર્ષ સમિતિ અધિકારી સંગઠન દ્વારા પતંગ માર્કેટમાં મૂકવામાં આવ્યા છે, જેથી પતંગ દ્વારા તેમનો સંદેશો ઘરે-ઘરે પહોંચે.

amc-123કોર્પોરેશનમાં ફેબ્રુઆરી એન્ડિંગ સુધી લોકોનાં કામ રઝળશે!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામાન્ય લોકોનાં કામ ભારે રઝળપાટ પછી પણ ભાગ્યે જ થતાં હોય છે, તેમાં પણ ચૂંટણીના માહોલથી ઓકટોબર-નવેમ્બર એમ બે મહિના તો તંત્ર નાગરિકોથી વેંત છેટું જ રહ્યું હતું. ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટાયેલી પાંખ આવી તો પ્રજાના પ્રતિનિધિઓ સત્તાની સાઠમારીમાં પડ્યા. અધિકારીઓ કાર્નિવલમાં દોડ્યા, પણ હવે નાગરિકોનાં કામ થાય તેમ નથી! કેમ કે હવે ફ્લાવર શો, ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિ ઉત્સવ ચાલશે! ત્યાર બાદ મ્યુનિ.ની વણજાર આવશે! કમિશનરનું ડ્રાફટ બજેટ, શાસક પક્ષનું રિવાઇઝ્ડ બજેટ, વીએસ હોસ્પિટલનું બજેટ, સ્કૂલબોર્ડનું બજેટ, એએમટીએસનું બજેટ, એમ.જે. લાઇબ્રેરીનું બજેટ અને છેલ્લે કોર્પોરેશનનું બજેટસત્ર…એટલે ફેબ્રુઆરી એન્ડિંગ સુધી સામાન્ય અમદાવાદીઓએ કોર્પોરેશન પાસે કામની આશા રાખવી નહીં… કોર્પોરેશનની લાઇન વ્યસ્ત આવશે! માર્ચથી જ તંત્ર- ચૂંટાયેલી પાંખ શહેરીજનો માટે જાગ્રત થશે.

You might also like