Metro Diary : સાઉથ બોપલ જવું છે?: લાંબી પ્રદ‌િક્ષણા કરો

આંબલીથી બોપલ જંક્શન પર તાજેતરમાં જ એસપી રિંગરોડ પર ફ્લાય ઓવરબ્રિજ શરૂ કરાયો છે. અત્યાર સુધી આંબલીથી બોપલ ક્રોસ રોડ થઇને સાઉથ બોપલ જવાનું સરળ હતું, કારણ કે જ્યાંથી ફ્લાય ઓવરબ્રિજ પૂરો થતો હતો ત્યાંથી સહેજ આગળ ડાઇવર્ઝન અપાયું હતું. ફ્લાય ઓવરબ્રિજના ટ્રાફિકને થ્રુ કરવા માટે વર્ષો પછી સત્તાવાળાઓએ ડાઇવર્ઝન બંધ કરી દેતાં ઇસ્કોન-આંબલી થઇને સાઉથ બોપલ જનારા વાહનચાલકોએ દોઢ કિલોમીટર આવવા-જવા સાથે કુલ ત્રણ કિલોમીટરનો ફેરો ફરવો પડે છે, જેના કારણે સમય બચાવવા મોટા ભાગના વાહનચાલકો બોપલ જંક્શનથી રોંગસાઇડે વાહન ચલાવીને અકસ્માતનો ભય નોંતરી રહ્યા છે.

metro-diary2હેરિટેજ વિભાગના અધિકારીઓ ‘એક નજર ઇધર ભી’ 
અમદાવાદને હેરિટેજ સિટી તરીકે વિશ્વ ફલક ઉપર ઓળખ મળી છે ત્યારે શહેરના રિલીફરોડ પર ખરકવાની પોળના નાકે આવેલ હેરિટેજ પરબડીનો વારસો અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ હેરિટેજ વારસો ધીરે ધીરે પોતાની ભવ્યતા ગુમાવી રહ્યો છે. હાલમાં સ્થિતિ એવી છે કે તેની છતથી લઈ તેના પાયા સુધીનો મોટા ભાગનો હિસ્સો જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. અહીં તેની આજુબાજુ ચાની કીટલી, ખાણી-પીણીની લારીઓએ અત્યંત ગંદકી કરી મૂકી છે. હેરિટેજ વિભાગ દ્વારા શહેરમાં હે‌િરટેજને મેન્ટેન કરવા માટે ઘણો ખર્ચ કરાયો પણ અહીં હજુ અધિકારીઓની નજર સુધ્ધાં નથી પડી.

metro-diary3ગાર્ડનને ઝાડી-ઝાંખરાથી ભરી દેવાયો
શહેરમાં પોશ વિસ્તાર એવા માનસી સર્કલ પાસે આવેલા અમદાવાદ મ્યુ‌િ‌ન. કોર્પોરેશનનો ગાર્ડન આવેલો છે. પરંતુ આ ગાર્ડન જોઇને આશ્ચર્યમાં પડી જવાય છે. આ ગાર્ડનની શરૂઆતનો ભાગ ઝાડી-ઝાંખરાંથી ભરાયેલો છે. એક બાજુ કોર્પોરેશનના સત્તાવાળાઓ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે તો બીજી બાજુ શહેરીજનોની સુખકારી માટે બનાવાયેલા ગાર્ડનમાં ઝાડી-ઝાંખરાંના ઢગલા. આ અભિયાન કેટલું સફળતાપૂર્વક ચાલી રહ્યું છે તેની ચાડી ખાય છે. અાજુબાજુના રહીશો પણ આ ગાર્ડન વિસ્તારમાં મૂકેલા ઝાડી-ઝાંખરાંથીથી મચ્છરોનો ઉપદ્રવ ફેલાઇ રહ્યો છે તેવી ફરિયાદ કરી રહ્યા છે. એટલું જ નહીં દિવાળી આવી રહી છે ફટાકડાનો તખણો ખુલ્લામાં રહેલા આ સુકાયેલાં ઝાડી-ઝાંખરાંથી મોટી આગ પણ લાગી શકવાનો ભય આજુબાજુના રહીશો દ્વારા વ્યક્ત કરાયો છે.

metro-diary4અમદાવાદનું લાસવેગાસ: અસારવા તળાવ
અમદાવાદમાં જુગાર, દારૂના અડ્ડાઓ જે તે સ્થાનિક સત્તાવાળાઓની ‘હપ્તા વસૂલી’થી ધમધમે છે. તેનાથી સામાન્ય નાગરિક પણ પરિચિત છે. પરંતુ જ્યારે શહેરના શાસક પક્ષ ભાજપનો એક કોર્પોરેટર શહેરના લાસવેગાસ તરીકે એક તળાવને ખુલ્લેઆમ ઓળખાવે ત્યારે તો (જુગારનું) પાણી માથા પરથી વહી રહ્યું છે તેમ જ લાગે. તાજેતરમાં કોર્પોરેશનની સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના સભ્ય ઇશ્વર પટ્ટણી અસારવા તળાવમાં જાહેરમાં રમાતા જુગાર અને જુગારિયાઓની મહેફિલથી એટલી હદે અકળાઇ ઉઠ્યા કે તેમણે કમિશનર મૂકેશકુમારની હાજરીમાં વિશ્વભરમાં કુપ્રસિદ્ધ જુગારના ધામ તરીકે જાણીતા અમેરિકાના લાસવેગાસ સાથે અસારવા તળાવને સરખાવીને આ તળાવને અમદાવાદનું લાસવેગાસ ગણાવ્યું. ઇશ્વર પટણી કહે છે, હું અસારવા તળાવમાં સીસીટીવી બેસાડવા અને મજબૂત સિક્યોરિટી ગોઠવવાની વારંવાર માગણી કરી ચૂક્યો છું.

You might also like