મેટ્રો ડાયરી: મ્યુનિ. કચેરીમાં બંધ જાળીમાંથી ફાઈલોની અાપ-લે

મ્યુનિ. મુખ્યાલયમાં જ્યારથી ‘એ’ બ્લોક એટલે કે સરદાર પટેલ ભવન ખાતે શાસક પક્ષ દ્વારા મુલાકાતીઓ માટે પાસની વ્યવસ્થા દાખલ કરાઇ છે ત્યારથી સામાન્ય નાગરિકો માટે ‘કોઠાે’ ભેદવો વધુ કઠણ બન્યો છે. આની સાથે-સાથે ‘એ બ્લોક’ અને ‘બી બ્લોક’ વચ્ચેની જાળીઓને તાળાં લગાવવામાં આવતાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ રાડ પાડી ઊઠ્યા છે! વહીવટના કહો કે ચૂંટાયેલી પાંખના ગણો પણ તમામ ઉચ્ચ હોદ્દેદારો-અધિકારીઓ સરદાર પટેલ ભવનમાં બેસે છે અને ઉચ્ચ સ્તરેથી કોઇ બેઠકનું આયોજન થાય કે અગત્યની ફાઇલ મંગાવાય કે ‘બી બ્લોક’ના સ્ટાફનું બ્લડપ્રેશર વધી જાય છે, કેમ કે અમુક સંજોગોમાં છેક પાંચમા માળેથી નીચે ઊતરીને અધિકારીઓ કહો કે કર્મચારીઓને એ બ્લોકના બીજા, ત્રીજા અને ચોથા માળે ‘સાહેબો’ને મળવા દોડી જવું પડે છે! કેટલાકના તો આવી ચઢ-ઊતરમાં જ આંટા આવી જાય છે. આ સંજોગોમાં હવે મ્યુનિ. સ્ટાફે અગત્યની ફાઇલની લેવડદેવડ માટે શોર્ટકટ શોધી કાઢ્યો છે. ‘બી બ્લોક’ના ચોથા માળે ‘બંધ જાળી’ની ગેપમાંથી ફાઇલો સરકાવતા બે મ્યુનિ. કર્મચારી આ તસવીરમાં જોઇ શકાય છે. આ તસવીર ખુદ જ સત્તાધીશોના ભેજાગેપ નિર્ણયની ચાડી ખાય છે.

laxmi-puja-1લક્ષ્મીજીની પૂજા તો અહીં પણ કરવી પડે!
જ્યાં લક્ષ્મીનો વાસ ત્યાં પૂજન. સામાન્ય રીતે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર કોઈ પણ કીમતી વસ્તુ જેવી કે સોના-ચાંદી, જર-ઝવેરાને લક્ષ્મીની કૃપા ગણવામાં આવે છે. આવી કીમતી વસ્તુઓની લક્ષ્મીનો વાસ ગણી પૂજા પણ થાય છે, પરંતુ બેંકના લોકરમાં રહેલી કીમતી વસ્તુઓની લોકરની અંદર મૂર્તિ સ્થાપિત કરી કે કંકુ-ચાંલ્લા કરવાના બદલે લોકો લોકરના દરવાજાને પણ છોડતા નથી. દરવાજા ઉપર પણ કંકુના સાથિયા દ્વારા પૂજા કરીને બેંકની પ્રોપર્ટીને ચિતરી લે છે. કેટલીક બેંકનાં મેનેજમેન્ટ આ પ્રકારનાં પૂજા ચિહ્નોને હટાવી લે છે અથવા તેવું કરવા દેતાં નથી, પરંતુ જે મેનેજમેન્ટ ચલાવે છે તે બેંકનાં લોકર લોકોએ ઘરમંદિર બનાવી દીધાં છે.

green-1વેપારીઓ કહે છે કે સૂકા ભેગું લીલું પણ બળશે!
સૌરાષ્ટ્રમાં અપેક્ષા કરતાં સારા વરસાદનાં કારણે સ્થાનિક બજારમાં લીલી ડુંગળીની આવક બેથી ચાર સપ્તાહ વહેલી આવવાની શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે આસો મહિનાની શરૂઆતમાં આવતી લીલી ડુંગળી આ વખતે ભાદરવા મહિમાની શરૂઅાતમાં જ આવવા લાગી છે. લીલી ડુંગળીની વધતી જતી આવકનાં કારણે જ સૂકી ડુંગળીમાં ભાવ પણ તૂટી રહ્યા છે. સિઝનની શરૂઆતમાં જ લીલી ડુંગળીમાં ભાવ પ્રતિ કિલોએ રૂ. ૨૦થી ૩૦ની સપાટીએ જોવા મળી રહ્યા છે. લીલી ડુંગળીની સ્થાનિક બજારમાં વધતી આવકનાં પગલે સૂકી ડુંગળીમાં ભાવ પણ એક જ મહિનામાં ૨૦થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક માર્કેટ યાર્ડના જથ્થાબંધ વેપારીઓ કરી રહ્યા છે કે આ વખતે સૂકા ભેગું લીલું પણ બળશે.

electric-board-1દધીચિ બ્રિજ નીચે
કરન્ટ લાગવાનો ખતરોઅમદાવાદમાં આવેલા દધીચિબ્રિજ નીચે ચાલુ હાઈ વોલ્ટેજ ડીપી તૂટેલી હાલતમાં છે, જેનું રિપેરિંગ નહીં કરાતાં કોઈ મોટી ઘટના સર્જાવાની સંભાવના છે. રિવરફ્રન્ટનો લોકો રોજ ફરવા માટે તેમજ અહીંથી અવારજવર માટે ઉપયોગ કરતા હોય છે અને દધીચિ‌િબ્રજ નીચે હાઈ વોલ્ટેજ ડીપી ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે. ડીપીની જોઈન્ટ લાઈન પરથી વાયર ખૂબ ભયજનક ખુલ્લી હાલતમાં મળી આવ્યા હોવા છતાં અને વારંવાર રજૂઆત કરાતાં પણ વીજ વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. આ ડીપી જે ચાલુ હાલતમાં છે, ડીપી કોઈએ તોડી હોય તેવી હાલતમાં છે, જેના દરવાજા તેમજ આખી ડીપી લટકી રહી છે અને કોઈ માણસ કે બાળક અહીંથી નીકળે તો કોઈ મોટી ઘટના સર્જાઈ શકે છે.

sardar-ariport-1બંદોબસ્ત પે બંદોબસ્તઃ કંટાળેલા PIઅે બદલી માગી
છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેશનલ અને ડોમે‌િસ્ટક એરપોર્ટ પર વીવીઆઇપી લોકોની અવરજવર વધી ગઇ છે, જેના કારણે સરદારનગર, શાહીબાગ અને નરોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને વીવીઆઇપીના બંદોબસ્ત માટે ખડેપગે રહેવું પડે છે. વીવીઆઇપીના બંદોબસ્તથી કંટાળીને સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે વી. આર. પટેલે બદલીની માગ કરી છે. સ્પેશિયલ બ્રાંચ કે પછી કંટ્રોલરૂમમાં બદલી કરાવી આપવા મામલે તેમણે પોલીસ કમિશનર સમક્ષ અરજી કરી છે.

You might also like