metro dairy: ખુલ્લામાં ફેંકાતો અેઠવાડ, પ્લાસ્ટિકનો કચરો ગાયોનો ખોરાક!

અમદાવાદઃ મૂંગા પશુઓ માટે જીવદયાના નામે લારી-ગલ્લા દ્વારા રાત્રે વધેલો એઠો-વાસી કચરો ખુલ્લામાં ફેંકવામાં આવે છે. સ્ટાર બજારની સામે આવેલા ઓપન પ્લોટમાં નખાતો એઠવાડ રોજની ઘટના છે, પરંતુ અબોલ પશુ આ એઠવાડ ખાય તો છે પણ આ કચરો ફેંકનારાની બેદરકારીના કારણે એઠવાડમાં રહેલા પ્લાસ્ટિકના ગ્લાસ પણ ગાયો ખાઇ લે છે. થેલીઓ પર તંત્ર બાન મૂકે છે, લારી-ગલ્લાવાળા ખુલ્લેઆમ જાહેર રસ્તા પર આવી રીતે ખોરાકના એઠવાડ સાથે પ્લાસ્ટિક પણ પશુઓના પેટમાં પધરાવે છે તેનું શું? આરોગ્યતંત્ર આ અંગે ક્યારે ચિંતા કરશે?

યુનિવર્સિટીના સેવક અને સુરક્ષાકર્મીને પણ ઠંડક મળશે

policeગુજરાત યુનિવર્સિટીના ટાવર બિલ્ડિંગમાં ફરજ બજાવતા સેવક (પટાવાળા) અને સુરક્ષાકર્મી (સિક્યોરિટી ગાર્ડ)ને ઉનાળાની બળબળતી બપોરે ઠંડક મળે તેવી સુવિધા યુનિવર્સિટીના તંત્ર વાહકો દ્વારા કરાઈ છે. અામ તો દરેક યુનિવર્સિટીના વિવિધ વિભાગોના અધિકારીઅો અને  બાબુઅોની ચેમ્બરમાં એ.સી. અને પંખાની સુવિધાઅો ઉપલબ્ધ હોય છે. જ્યારે તેમની કચેરી બહાર બેસતા સેવકો અને સુરક્ષાકર્મીઅો ઉનાળાના ધોમધખતા તાપ અને લૂનો સામનો કરતા હોય છે. અાથી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ચેમ્બરની બહાર લોબીમાં બેસતા સેવકો અને સુરક્ષાકર્મીઅોને ઉનાળાની સિઝનમાં ગરમીથી રાહત અને ઠંડક મળે તે માટે કૂલર મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં અાવી છે.

પાન-મસાલા કોમોડિટીએ વેટ વિભાગને ચૂનો લગાડ્યોVatTaxes-p

પાન-મસાલાના વધુ પડતાં સેવનથી આરોગ્ય કથળે છે તે જગજાહેર છે, પરંતુ પાન-મસાલા કોમોડિટીથી રાજ્યના વેટ વિભાગની તબિયત પણ કથળી ગઈ છે. જી હા, અહીં આરોગ્યની વાત નથી, પરંતુ પાન-મસાલા કોમોડિટીમાં ઊંચા વેટના દરને કારણે કરચોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે ડિપાર્ટમેન્ટને કરોડો રૂપિયાનો ચૂનો લાગી ચૂક્યો છે.પાન-મસાલા કોમોડિટીમાં અગાઉ બોગસ રિફંડ કૌભાંડ બહાર આવ્યું હતું. ડિપાર્ટમેન્ટ દ્વારા પાન-મસાલા ડીલર્સને ૫૦ કરોડથી વધુનાં બોગસ રિફંડ ઓર્ડરમાં ચુકવણાં થઈ ચૂક્યાં છે. ત્યાર બાદ ટ્રાન્સપોર્ટ ગોડાઉન ઉપર પણ દરોડા પાડી મોટા પ્રમાણમાં કરચોરી પકડી પાડી છે. ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા ટેક્સ ભર્યા વિના પાન-મસાલા કોમોડિટીની હેરફેર કરતી કેટલીક ટ્રકો પણ પકડી પાડવામાં આવી હતી. હવે ડિપાર્ટમેન્ટને શંકા છે કે રાજસ્થાન બાજુથી આવતી કેટલીક લક્ઝરી બસમાં આ પ્રકારની ટેક્સ ભર્યા વિનાના પાન-મસાલા રાજ્યમાં ઘુસાડવામાં આવી રહ્યા છે અને ડિપાર્ટમેન્ટની તિજોરીને કરોડોનો ચૂનો લગાવાઈ રહ્યો છે. આમ, પાન-મસાલા કોમોડિટીએ વેટ વિભાગની આર્થિક તબિયત બગાડી નાખી છે.

ટ્રાન્સપોર્ટ હાઉસની બે નવી લિફ્ટ લિફ્ટમેનના અભાવે બંધ!

lift જમાલપુર ખાતે એએમટીએસના સત્તાવાળાઓએ બે માળનું ભવ્ય ટ્રાન્સપોર્ટ હાઉસ બનાવ્યું છે. એએમટીએસ ભલે દરરોજની એક કરોડ રૂપિયાની ખોટ કરે, એએમટીએસનાં પૈડાં ભલે કોર્પોરેશનનાં નાણાંથી ચાલે તેમ છતાં સાહેબોના રાજાશાહી ઠાઠ અટકવા ન જોઇએ તેનો ઉત્તમ નમૂનો ટ્રાન્સપોર્ટ હાઉસ છે. કોઇ કોર્પોરેટ કંપની પણ શરમાઇ જાય તેવું શાનદાર ટ્રાન્સપોર્ટ હાઉસ બનાવાયું છે. અલબત્ત, પ્રજાના પૈસે જ આવા તાગડધિન્ના થઇ રહ્યા છે. હવે નવા જમાનાના રાજા-મહારાજાઓ માટે ટ્રાન્સપોર્ટ હાઉસમાં બે અદ્યતન લિફટની સ‌ુવિધા પણ છે. એક લિફટ સ્પેશિયલ ચેરમેન, ટ્રાન્સપોર્ટ મેનેજર જેવા મહાનુભાવ માટેની હોઇ એક માળ સુધીની જ છે, જ્યારે ‌બીજી લિફટ કર્મચારીઓને બંને માળ સુધી પહોંચતા કરવા માટેની છે. આ બંને નવીનક્કોર લિફટને રાજ્ય સરકારની પરવાનગી પણ મળી ગઇ છે, તેમ છતાં ચાલુ કરાઇ નથી. કેમ? તો તંત્ર પાસે લિફ્ટમેન જ નથી. આશરે ૩૦ લાખનાે ખર્ચ બંને લિફટ પાછળ કરાયો છે, પરંતુ સત્તાવાળાઓને કોઇ દિવ્યાંગ કર્મચારી પણ લિફ્ટમેન માટે મળતો નથી! અણઘડ આયોજન માટે એએમટીએસના કર્તાહર્તાઓ આમ પણ પંકાયેલા છે. તાજેતરમાં વીએસ હોસ્પિટલમાં લિફ્ટ અકસ્માતમાં એએમટીએસના પૂર્વ કર્મચારીનો ભોગ લેવાતાં સત્તાવાળાઓ લિફ્ટમેનની  નિમણૂક વગર લિફ્ટ ચાલુ કરવાના મૂડમાં પણ નથી. પરિણામે ઉંમરલાયક કર્મચારીઓ માટે નીચેના ભોંયતળિયે ઓફિસ ફાળવવી પડી છે. છે ને અંધેર નગરીમાં ગંડેરી રાજા જેવો વહીવટ!

You might also like