મેટ્રો ડાયરીઃ છ મહિનાથી મહિલા પોલીસ સ્ટેશન એસીપી ચલાવે છે

મહિલાને લગતી બાબતો માટે શહેરમાં એક માત્ર મહિલા પોલીસ સ્ટેશન આવેલું છે. મોટા ભાગે મહિલા પોલીસ આખો દિવસ ધમધમતું રહે છે. પરંતુ મહિલા પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઊઠતાં એસીબીએ રેડ કરી મહિલા વકીલ સહિત બે પોલીસકર્મીઓને લાંચ લેતા ઝડપ્યાં હતાં. એસીબીનાં ટ્રેપ બાદ મહિલા પી.આઇ. દિવ્યા રવિયાનું નામ બહાર આવ્યું હતું અને તેઓની તાત્કાલીક અસરથી બદલી કરી દેવાઇ હતી. મહિલા પીઆઇની બદલી બાદ આજ દિન સુધી એસીપી પન્ના મોમાયા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇનો ચાર્જ સંભાળી રહ્યાં છે. ભ્રષ્ટાચારની પોલ બાદ જાણે હવે પીઆઇ નહીં પરંતુ એસીપીને જ બમણું કામ સોંપાયું હોય તેમ લાગી રહ્યું છે.

રિવરફ્રન્ટના ગુજરીબજારમાં ત્રણ વર્ષ પછીય ટેન્કરનો ઉપયોગ
River-Sabarmati-2
રિવરફ્રન્ટમાં તાજેતરમાં પશ્ચિમ કાંઠે ફલાવર પાર્ક અને ફલાવર શોનું દબદબાભેર ઉદ્દઘાટન કરાયું. હજારો નાગરિકોએ ફલાવર શોનો આનંદ માણ્યો. જ્યારે ફલાવર પાર્ક શહેરીજનો માટેનું નવલંું નજરાણું બન્યો છે. જોકે રિવરફ્રન્ટનાં સારા પાસાની સાથે સાથે નરસા પાસાની તરફ પણ એક નજર નાંખવાની જરૂર છે. રિવરફ્રન્ટની તમામ લિફટ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે, કેમ કે લિફટમેન જ નથી ! તો પબ્લિક ટોયલેટમાં પણ પાણીની વ્યવસ્થા માટે નેટવર્ક તૈયાર કરી શકાયું નથી. પૂર્વ કાંઠે પ્રસિદ્ધ ગુજરીબજાર માટે તંત્રે જગ્યા ફાળવ્યાંને ત્રણ વર્ષ થયાં છે. પરંતુ આજે પણ પબ્લિક ટોઇલેટની ટાંકીને દર શનિવારે સાંજે પાણીનું ટેન્કર મંગાવીને ભરવી પડે છે, કેમ કે મધ્યઝોનના ઇજનેર વિભાગના સત્તાવાળાઓ આ પબ્લિક ટોઇલેટ સુધી પાણીની લાઇન જ પહોંચાડી શક્યા નથી !

ડિવાઈડર પર હમણાં જ મુકાયેલી કચરાપેટી તૂટવા લાગી
pritesh-dairyકોર્પોરેશનમાં અંધેર વહીવટ કઈ હદે ચાલી રહ્યો છે તેનો કોઈ હિસાબ નથી. વાઇબ્રન્ટ સમયે શહેરમાં જાહેર માર્ગો પર અમુક અંતરે ઘણા બધા ડિવાઈડર વચ્ચે કચરાપેટીઓ મૂકવામાં આવી હતી. કોર્પોરેશનની લાપરવાહીમાં અત્યારે અનેક કચરાપેટીઓ સ્થળ ઉપર તૂટેલી હાલતમાં જેવા મળે છે કોર્પોરેશના ના લેભાગુ કોન્ટ્રાક્ટરો દ્વારા ડિવાઇડરની અંદર સિમેન્ટનું મિક્ષર ભરી જેમ તેમ કરીને કચરાપેટી ઊભી કરી દેવામાં આવી છે.જેનો નમૂનો ફોટામાં જોવા મળે છે. લોકો જ્યાં ત્યાં કચરો ના ફેંકે અને સીધો કચરાપેટીમાં જ નાંખે તે હેતુથી કચરાપેટીઓ રસ્તામાં મૂકવામાં આવી હતી. પરંતુ હાલમાં જોવા જઈએ તો મોટાભાગની કચરાપેટીઓ ડિવાઈડરથી તૂટીને નીચે પડી રહી છે.

તૂટેલો પિલર ખસેડવાના બદલે રંગી નાખ્યો!
bharat-bhai
તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમ્યાન દેશી વિદેશી મહાનુભાવોની અાગતા સ્વાગતા પાછળ કોર્પોરેશન ઘેલું થયું હતું. આ મહાનુભાવોની નજરમાં સુંદર અમદાવાદની છબી બતાવવા તંત્રે પાણીની જેમ પૈસા વાપર્યા હતા. બીઆરટીએસમાં મોટા પાયે રંગરોગાન, કોરિડોરની સાફ સફાઇ વગેરે કામ હાથ પર લેવાયાં હતાં. જેમાં સત્તાવાળાઓની ઘોર બેદરકારીનો એક નમૂનાની વાત કરવી છે. નારણપુરાના મેયરના વોર્ડના રહેવાસીઓની ફરિયાદ મુજબ સોલા રોડ પર બીઆરટીએસના કારણે રસ્તા બંધ થવાથી તો લોકો પરેશાન છે જ પરંતુ અવરજવર માટે ખુલ્લી મુકાયેલી જગ્યા પરના બીઆરટીએસના પિલર મહિનાઓથી તૂટેલી હાલતમાં પડ્યા છે. પિલરના ખીલા બાળકો, વૃદ્ધોનેે વાગી રહ્યા છે. પરંતુ સમિટ પહેલાં બીઆરટીએસના કોન્ટ્રાકટરે આંખ મિંચીને રંગ કામ કર્યું હોય તેમ તૂટેલા પિલરને પણ ‘પીળા રંગ’થી રંગી કાઢયા છે ! તૂટેલા પિલરને ખસેડવાની પણ કોન્ટ્રાકટરે તસદી લીધી નહીં ! એ વાત જુદી છે કે, સત્તાવાળાઓએ પણ ‘ઊલટા ચશ્માં’ પહેર્યાં હોઇ કોન્ટ્રાકટરના બિલને સ્થળ તપાસ કર્યા વિના મંજૂરી આપી દીધી. પરંતુ પાયાનો પ્રશ્ન એ છે કે જો મેયર ગૌતમ શાહના વોર્ડમાં આવી ગંભીર બેદરકારી આચરાઇ હોય તો પછી અન્ય વિસ્તારમાં શું નહીં થયું હોય ?’

home

 

You might also like