મેટ્રો ડાયરીઃ અા બ્રિજને મ્યુનિ.ના સ્વચ્છતા અભિયાન સાથે લેવાદેવા નથી!

શહેરના આશ્રમરોડ પાસે આવેલ એમજે લાઈબ્રેરી બ્રિજ નીચે કેટલી ગંદકીઓથી ભરેલો તે જોઈ શકાય છે. શરૂઆતના થોડા દિવસ સ્વચ્છતા અભિયાનના નારાઓ લગાવવામાં આવ્યા, પરંતુ અત્યારે આ બ્રિજની હાલત જોઈને લાગે કે અહીં સ્વચ્છતા અભિયાન સાથે લોકોને કંઈ લાગતું-વળગતું નથી. બ્રિજ પરથી પસાર થતા કેટલાક લોકો અહીં થૂંકે છે અને યોગ્ય સાફ-સફાઈના અભાવે અહીં ગંદકી પણ વધી ગઈ છે. આ બાબતે લોકોએ ઘણી ફરિયાદ કરી. ‘બ્રિજ પર આટલી સમસ્યાઓ હોવા છતાં પણ જે તે વિભાગ કઈ રીતે આ સમસ્યાઓને નજરઅંદાજ કરી શકે છે. બ્રિજ પર એટલી ખરાબ દુર્ગંધ આવતી હોય છે કે આખા બ્રિજ પર કેટલીક જગ્યાએ પાન-તમાકુની પડીકીઓ તથા અન્ય કચરોની પિચકારી મારીને ગંદકી ફેલાવી છે. આ બધાના પરિણામે બ્રિજ પર ગંદકી વધવા લાગી છે. ક્યારે બ્રિજ પરની આ ગંદકીને દૂર કરવામાં આવશે? લોકો બ્રિજ પર ગંદકી ન ફેલાવે એ માટે જે તેે વિભાગે પગલાં ભરવાં જોઈએ.

અહીં ફૂટપાથ છે પણ ચાલી શકાશે નહીં
IMG_20161208_165214
શહેરનું હાર્દ  ગણાતો પોશ વિસ્તાર શિવરંજની સેેટેલાઇટ રોડ જંકશન પર ટ્રાફિક સતત ધમધમતો રહે છે. ચાર રસ્તા પરના આ જંકશનની નજક બીઆરટીએસ બસસ્ટેન્ડ હોવાથી હજારો લોકો દિવસભર ચાર રસ્તા નજીક આવેલી ફૂટપાથ પરથી ચાલીને રસ્તો ઓળંગે છે, પરંતુ ફૂટપાથ સાવ બેસી ગઇ છે. સરફેસ ખાડા જેવા થઇ ગયા છે. એટલું જ નહીં કેબલ કામ માટે ટર્નિંગ પર જ તંત્રએ ખાડો ખોદીને મૂકી દેતાં અકસ્માતના ભય વચ્ચે લોકોને રસ્તા પર ચાલવું પડે છે. આવા સંજોગોમાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા અનેક બાબુઓને રાહદારીઓની આ મુશ્કેલી દેખાતી નહીં હોય..

નોટબંધીની ઇફેક્ટઃ લગ્નોમાં પ્લાસ્ટિકનાં ફૂલની બોલબાલા
palsticflow-1
આમ તો લગ્નસરાની સિઝનમાં ફૂલબજાર સતત ધમધમતું હોય છે. ડેકોરેશન માટે તથા ફૂલના હારની માગ સામાન્ય દિવસોની સરખામણીએ લગ્નસરાની સિઝનમાં બેથી ત્રણ ગણી વધી જતી હોય છે, પરંતુ આ વખતે નોટબંધીના કારણે ફૂલબજાર ઉપર પણ તેની અસર થઇ છે. ફૂલબજારના વેપારીઓના કહેવા પ્રમાણે નોટબંધીના કારણે ફૂલનો કારોબાર પણ કરમાઇ ગયો છે. તેઓના કહેવા પ્રમાણે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. છતાં માત્ર ર૦થી ૩૦ ટકા જેટલો જ ધંધો છે. રોકડની ક્રાઇસિસની સાથે સાથે લોકો પણ ડેકોરેશન માટે પ્લાસ્ટિકનાં ફૂલનો ઉપયોગ કરતા થઇ ગયા છે. તેથી ડબલ માર પડી રહ્યો છે. હવે ફૂલના કારોબારમાં ફરી કયારે સુગંધ આવશે? તેવો પ્રશ્ન વેપારીઓ કરી રહ્યા છે.

સાઈન બોર્ડમાં જન્મ-મરણ વિભાગ હજુ ‘જીવંત’ છે!
metro-dairy-bharatbhaiદાણાપીઠ ખાતે આવેલા કોર્પોરેશનના મુખ્યાલયમાં મેયર, કમિશનર વગેરે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખના ટોચના લોકો માટે કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન ‘સી’ બ્લોકનું નિર્માણ કરાયું છે.  આ બ્લોકના ભોંયતળિયે લોકોના પ્રવેશ માટે ‘ફોટાવાળી’ પાસ સિસ્ટમનો અમલ કરાયો છે. જૂની બિલ્ડિંગ સાથેની અવરજવર રોકવા બે બ્લોક વચ્ચેની જાળીમાં લોખંડી તાળાં મારી દેવાયાં છે. તેમ છતાં નવી બિલ્ડિંગમાં પ્રવેશતાં જ જોવા મળતા સાઈન બોર્ડમાં તંત્રે હજુ કોઈ ફેરફાર કર્યો નથી. જૂની બિલ્ડિંગમાં કાર્યરત જન્મ-મરણ વિભાગ આજે છ મહિનથી ગીતા મંદિર પાસેના આરોગ્યભવનમાં ધમધમે છે. પરંતુ મ્યુનિ. સત્તાવાળાઓ માટે હજુ પણ તે મુખ્યાલય પરિસરમાં જ છે! હાથ કંગન કો આરસી ક્યા? પઢે લિખે કો ફારસી ક્યા? તસવીરરૂપી પુરાવો અત્રે આપ્યો છે. આ મોટા સાઈન બોર્ડ પર મેયર સહિત તમામની નજર પડે છે પરંતુ કોઈ તેને સુધારવાની તસદી લેતું નથી.

home

You might also like