મેટ્રો ડાયરીઃ મોંઘી કંકોતરી, મોંઘો ઠાઠ, નોટબંધી કાંઈ બધાને નડી નથી

અત્યારે લગ્ન સિઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે અવનવી ડિઝાઇનની કંકોતરી દેખાઇ રહી છે ખાસ કરીને કંકોતરી સાથે ચોકલેટ-સાકર કે મીઠાઇ મૂકવાનું ચલણ થોડાં વર્ષોથી શરૂ થયું હતું. જેમાં કંકોતરી સાથે બોક્સ હોય તેમાં ચોકલેટ કે મીઠાઇ મૂકેલી હોય છે હવે કંકોતરી બોક્સમાં મીઠાઇ-ચોકલેટનું સ્થાન ડ્રાયફ્રૂટે લઇ લીધું છે. હવે કંકોતરી બોક્સમાં મોટા ભાગે મિક્સ ડ્રાયફ્રૂટ કે બદામનાં પેકેટ વધુ જોવા મળી રહ્યાં છે. લગ્ન સમારંભમાં નોટબંધી નડી રહી હોવાથી ફરિયાદો ઊઠી રહી છે. બીજી બાજુ શહેરમાં જે રીતે ધામધૂમથી લગ્નો થઇ રહ્યાં છે તે જોતાં સંપન્ન પરિવારોને જાણ નોટબંધીની કોઇ જ અસર ન હોય તે રીતે કંકોતરી બોક્સમાં મિક્સ ડ્રાયફ્રૂટ જ નહીં પણ મોંઘી બદામ અને તે પણ પ૦૦ ગ્રામ જેટલી મૂકી રહ્યા છે અને કંકોતરી જેની કિંમત ગણતરીમાં જ લેવાતી નથી.

મ્યુનિ. કચેરી પાસે જ દબાણઃ સેલની ગાડીઅોનું પાર્કિંગ!
Metro-dairy-bharat-bhai
શહેરમાં ટ્રાફિક જામની વકરતી સમસ્યા માટે અનેક કારણો જવાબદાર છે. જે પૈકીનું એક કારણ ભરરસ્તે ગેરેજનો ધમધમાટ અને ગાડીઓનાં વેચાણ કેન્દ્ર પણ છે. કમિશનર મૂકેશકુમારના આદેશથી અમદાવાદમાં એસ્ટેટ વિભાગની ટીમ રસ્તા પરના ગેરેજ, રોડ પર મુકાયેલી ગેરેજ શો રૂમની ગાડી અને ગાડીના વેચાણ પર ત્રાટકીને તેને તાળાં મારે છે. પરંતુ પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરીની બિલકુલ પાસે જ રોડ પર ગાડીના ‘હોટ સેલ’ લાગ્યાં છે. ઉસ્માનપુરાના અંડર પાસના છેડા પર ખુલ્લેઆમ તંત્રની નજર હેઠળ જો ગાડીનાં વેચાણ થતાં હોય તો એનો અર્થ શું એ સમજવો કે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના કોઇ ‘રાજા’ અધિકારીના આ મામલે આશીર્વાદ પ્રાપ્ત છે?

હુક્કાબાર-કોલસેન્ટરો પર દરોડાથી અનેકના હુક્કા-પાણી બંધ થયા
hukka-bar1
શહેરના પોશ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે હુક્કાબાર અને કોલ સેન્ટરને નવા આવેલા કડક પોલીસ કમિશનરે બંધ કરાવવા આદેશ આપતાં હાલમાં મોટા ભાગનાં કોલ સેન્ટર અને હુક્કાબાર બંધ થઇ ગયાં છે. નવા સાહેબના આવ્યા પહેલાં સાહેબોની રહેમ નજર હેઠળ લાખોના હપ્તા આપીને ગેરકાયદે હુક્કાબાર અને કોલ સેન્ટર ધમધમતાં હતાં, પણ હવે નવા કડક સાહેબે બધું બંધ કરાવી દેતાં કેટલાક અધિકારીઓના પેટમાં તેલ રેડાયું છે અને તેઓના હપ્તા બંધ થતાં કમાણી થતી હતી તે ઓછી થઇ ગઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અાજે ઉધાર અને કાલે રોકડા
store
સરકારે રૂ.પ૦૦-૧૦૦૦ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂક્યાને બે સપ્તાહ કરતાં વધુ સમય થઇ ગયો છે. બજારમાં હજુ પણ રોકડની ક્રાઇસિસ જોવા મળી રહી છે. ખાસ કરીને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ વેચતા કરિયાણાની દુકાનવાળાઓ તથા ગ્રાહકો બંનેને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારી કાયમી ગ્રાહકો સાથે આ ઘર્ષણમાંથી બચવા સામેથી નાણાં બાકી રાખીશું અત્યારે ચીજવસ્તુઓ લઇ જાવ તેમ જણાવી રહ્યા છે તો બીજી બાજુ મોટા ભાગે રોકડમાં ચીજવસ્તુઓની ખરીદી માટે જતા ગ્રાહકો બાકીમાં ચીજવસ્તુઓની ખરીદી માટે નાનમ અનુભવતા હોય છે, પરંતુ જાણીતા વેપારીઓ દ્વારા આ પ્રકારની સગવડ કરી અપાતાં આર્થિકની સાથે-સાથે માનસિક પણ રાહત અનુભવતા હોય છે!

You might also like