મેટ્રો ડાયરીઃ અા રસ્તો એક વર્ષથી ઉબડખાબડ છે!

અમદાવાદમાં બિસ્માર રસ્તાની નવાઈ નથી. રસ્તાના થાગડથિગડમાં પણ ભારે ભ્રષ્ટાચાર થતો હોઈ કોર્પોરેશન દ્વારા નવો બનાવાયેલો રસ્તો પણ સામાન્ય વરસાદમાં ઊખડી જાય છે. અમુક રસ્તા તો બારેય માસ ધોવાયેલા રહે છે. જેમ કે સેટેલાઈટ વિસ્તારમાં આવેલા સુંદરવન બાજુમાં અાવેલો અને પ્રેરણાતીર્થ દેરાસર તરફ જતો રસ્તો છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ઉખડખાબડ છે. જોધપુર વોર્ડમાં ૨૪x૭ના પાણી પુરવઠા પ્રોજેક્ટ હેઠળ રસ્તાને ખોદી નંખાયો હતો. નવા પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગે સામાન્ય પેચવર્ક કરાવવાની તસદી લીધી નથી. પરિણામે અહીં વાહનચાલકોની ભારે પરીક્ષા થઈ રહી છે.

જ્વેલરી માર્કેટમાં એક જ ચર્ચાઃ GSTનો દર કેટલો રહેશે?
GSTદેશમાં જ્વેલરી માર્કેટમાં કુલ કારોબારમાં સ્થાનિક જ્વેલર્સનો ૩૦ ટકા જેટલો કારોબાર છે. નવા વર્ષનાં મુહૂર્ત કર્યા બાદ જ્વેલર્સ બજારમાં વર્ષભર કારોબાર કેવો રહેશે તેની ચર્ચાની સાથે સાથે આ વખતે જીએસટી કેટલો આવશે તેની ચર્ચા પણ છેડાઇ હતી. હાલ એક ટકો વેટ છે. સરકારે અગાઉ કિમતી ધાતુ ઉપર એક જ ટકો ટેકસ લાદવાની દરખાસ્ત કરી હતી. હવે જ્યારે ઝીરો ટકાની ચીજવસ્તુઓ સહિત ચાર સ્લેબમાં ટેક્સ લેવાનું કાઉન્સિલ દ્વારા નક્કી કરાઇ ચૂકયું છે. એટલું જ નહીં સાથે સાથે સોના ઉપર કેટલો ટેકસ લેવાશે તે પછીથી નક્કી કરાશે તેવો કાઉન્સિલ દ્વારા નિર્ણય કરાયો છે. જ્વેલર્સને આશંકા છે કે સરકાર કયાંક સોનાની કોમોડિટીને પાંચ ટકાના સ્લેબમાં તો નહીં નાખે ને? જો આમ થયું તો બીજા ચાર ટકાના ટેક્સનું ભારણ! તો વળી કેટલાક જ્વેલર્સ એવું પણ કહી રહ્યા છે કે નવો ટેકસ સ્લેબ ઊભો કરી બે કે ચાર ટકાનો જીએસટી નાખી શકે છે. હવે કેટલો રેટ આવશે તે તો સમય જ કહેશે પણ સરકારે સોના ઉપર હાલ કોઇ જીએસટીનો દર નક્કી નહીં કરીને વેપારીઓની ઊંઘ જરૂરથી ઉડાડી દીધી છે.

પહેલાં સર્કલ માટે બનાવો, પછી નાનાં કરો… લાખોનું અાંધણ
circleમ્યુનિ. કોર્પોરેશનના શાસકો વારંવાર રસ્તા વચ્ચે ટ્રાફિકની સમસ્યા હલ કરતાં અને શોભા વધારતાં સર્કલની તોડફોડ કરવામાં વધુ ઉત્સાહ બતાવી રહ્યા છે. તાજેતરમાં જ આંબાવાડીના નહેરુનગર સર્કલમાં તોડફોડ પૂરી થયા બાદ હવે નહેરુનગરથી આગળ ટ્રાયેંગલ સર્કલ તોડી પાડવામાં આવ્યું છે. શહેરમાં અગાઉના પહોળા અને વિશાળ રસ્તાઓ હવે સાંકડા બન્યા છે. સાથે-સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે તંત્રએ હવે નહેરુનગરથી આગળ ટાઉનહોલ હોલ તરફના રસ્તે ટ્રાયેંગલ સર્કલ તોડી નવેસરથી નાનું બનાવવાનો નિર્ણય લીધો છે.

જિંદગી હેલ્પલાઇનને હવે કોલર્સનો ઇંતજાર
suicideલોકોને આત્મહત્યા કરતાં રોકવા માટે પોલીસ દ્વારા ૧૦૯૬ જિંદગી હેલ્પલાઇન શરૂ કરાઇ છે, પરંતુ હવેે આ હેલ્પલાઇનની જિંદગી પૂર્ણતાના આરે આવી ગઇ હોય તેમ જણાય છે. ઉચ્ચ અધિકારીઓના કોઇ પણ સુપરવિઝન અને અંગત રસ ન હોવાના કારણે આ હેલ્પલાઇન બંધ થવાના દિવસો ગણી રહી છે. હેલ્પલાઇનમાં અગાઉ બે કાઉન્સેલિંગ કરનાર વ્યકિત હતી, પરંતુ હવે કોઇ કાઉન્સેલર રહ્યા નથી. આ ઉપરાંત હવે માત્ર એકાદ-બે કોલ જ હેલ્પલાઇનને મળે છે. હેલ્પલાઇનમાં કામ કરતા લોકો પણ હવે કાં તો હેલ્પલાઇનને હેલ્પ મળે અથવા બંધ થાય તેની રાહ જુએ છે.

દિવાળી બાદ પણ ચિકનગુનિયાના કેસમાં વધારો
civilહાલમાં જ દિવાળીના દિવસો પૂર્ણ થયા બાદ શિયાળાનું ધીમા પગલે આગમન થઇ રહ્યું છે, સાથે-સાથે શહેરમાં રોગચાળાની સમસ્યા વધુ વકરી રહી છે. ડેન્ગ્યુ બાદ હવે ચિકનગુનિયાના રોગના કારણે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. દિવસે ને દિવસે ચિકનગુનિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત ઓક્ટોબર માસમાં ચિકનગુનિયાના ૩૧ કેસ નોંધાયા હતા, જ્યારે નવેમ્બર માસના પહેલા પાંચ દિવસમાં જ ૧પ કેસો નોંધાયા છે. સામાન્ય રીતે ચિકનગુનિયાનો રોગ ચોમાસાની ઋતુમાં થાય છે, પરંતુ હાલ શિયાળાની સિઝનમાં પણ ચિકનગુનિયાના વધતા કેસને લઈને તંત્ર પણ ચિંતિત બની ગયું છે.

You might also like