મેટ્રો ડાયરીઃ આ મ્યુનિ. હોલમાં લગ્ન સમારંભ કોઈ રાખતું નથી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોના સારા પ્રસંગોની ઉજવણી માટે મ્યુનિ. સંચાલિત હોલ બનાવાયા છે, પરંતુ સાબરમતી ડી-કે‌િબન ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલનો હવે લોકો માત્ર બેસણાં અને સામાન્ય કાર્યક્રમ માટે જ ઉપયોગ કરે છે. તેની પાછળ માત્ર મ્યુનિ. તંત્ર જ જવાબદાર છે, કારણ કે હોલની હાલત જ એટલી ખરાબ છે કે સારો પ્રસંગ ત્યાં કરવો હોય તો પણ પાંચ વખત વિચારવું પડે. બેસણાં અથવા મિટિંગ માટે જ આ હોલનું હવે લોકો બુકિંગ કરાવે છે.

ગરબાના ક્લાસ શરૂ પણ થઈ ગયા
garba-classess--metro-diery
મા અંબેની આરાધનાના પવિત્ર પર્વ સમાન નવરાત્રિ ૧ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. નોરતાંને હજુ ૩ મહિના બાકી છે ત્યાં શહેરમાં ગરબા ક્લાસીસ શરૂ  થઈ ગયા છે. ખાસ કરીને પ્રોફેશનલ ખેલૈયાઓ પૂરી તૈયારી બાદ કોમર્શિયલ આયોજનોમાં ગરબાની ધૂમ મચાવે છે. કટ્ટર હરીફાઈ અને આકર્ષિત ઈનામોના કારણે એક મહિનો વહેલા ગરબા ક્લાસીસ શરૂ થઈ ગયા છે. ક્લાસીસમાં ૬થી ૬૦ સ્ટેપ સુધીનાં દોઢિયાં, ઘૂમરી, ફ્રી સ્ટાઈલ, ટિંટોલી, સ્ટેપર, વેસ્ટર્ન અને દેશીનું કોમ્બિનેશન વગેરે શીખવા માટે ત્રણ મહિનાનો સમય જરૂરી હોઈ ખેલૈયાઓએ અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

બપોર બાદ જે બોણી થાય તે કરી લઈએ
Gold
આજકાલ માણેકચોક સોના-ચાંદી બજારમાં ગ્રાહકોના અભાવ વચ્ચે જાણે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારી જ કહી રહ્યા છે કે ઘરાકીના અભાવ વચ્ચે ઘણીવાર આખો દિવસ કોરોધાકોર ગયા બાદ ચાર-પાંચ વાગ્યે જે બોણી થાય તે કરી લેવાના દિવસો આવ્યા છે. બજારમાં મોટા ભાગના વેપારી બૂમો પાડી રહ્યા છે કે ઘરાકી જ નથી! તો ચોક્સી મહાજનના અગ્રણીઓ એ‍વું સમજાવી રહ્યા છે કે સામાન્ય રીતે આ સમયગાળામાં ઘરાકી ઓછી જ જોવા મળે છે! એ જ પ્રમાણે પશ્ચિમમાં કેટલાક મોટા જ્વેલર્સોએ આજકાલ ઘરાકીના અભાવ વચ્ચે રવિવારે પણ દુકાન ખુલ્લી રાખવાનો વારો આવ્યો છે. હવે રવિવારે કેટલા ગ્રાહકો આવે છે તે જ્વેલર્સ જ જાણે, પરંતુ હવે તો જ્વેલર્સ કહી રહ્યા છે કે ફેબ્રુઆરી બાદ સોના-ચાંદી બજાર ઉપર લાગેલું ગ્રહણ હવે ક્યારે દૂર થશે!

AMTSની બસમાં પાણીના ધોધ!
amts-01
એએમટીએસની સતત કથળતી જતી સર્વિસને કારણે દરરોજ લાખો ઉતારુઓ મુશ્કેલીમાં મુકાય છે. જેે તે વિસ્તારમાં કંટ્રોલ કેબિન મુકાઇ હોવા છતાં મનસ્વીપણે ડ્રાઇવર-કન્ડકટર બસ મૂકે છે. બસમાં મહિલાઓ માટેની આર‌િક્ષત બેઠકો ‘કહેવા પૂરતી’ જ છે. બસની અંદરની સફાઇ તો છોડી બસને બહારથી પણ સાફ કરાતી નથી. ડ્રેસ વગરના કન્ડકટરોને બસમાં શોધવા પડે છે. રનિંગ સ્ટાફના ઉદ્ધત વર્તનની તો વાત જ કરવા જેવી નથી. જોકે વરસાદના દિવસોમાં બસની અંદર પડતા ‘નાયગ્રાના ધોધ’નો ઉલ્લેખ ખાસ કરવા જેવો છે. તૂટેલા કાચના કારણે કે કાચ જામ થઇ જવાથી બારીમાંથી વર્ષારાણીની અંદર થતી પધરામણીથી ઉતારુઓ ટેવાઇ ગયા છે. છતના લીકેજની પણ નવાઇ રહી નથી, પરંતુ જેએનયુઆરએમ હેઠળ મેળવેલી ફીડર બસમાં આગળ અને પાછળની હવા બારી (વેન્ટિલેટર) હંમેશાં ઉઘાડી જ રહેતી હોઇ ત્યાંથી વરસાદી પાણીનો પડતો ધોધ ઉતારુઓને પરાણે જળ સ્નાન કરાવે છે. ચોમાસાની સિઝનમાં જે તે ડેપોમાંથી જ બસ ઉતારુઓની સેવામાં મુકાય તે વખતે વેન્ટિલેટર બંધ હોય તેટલી કાળજી એએમટીએસના સત્તાવાળાઓએ રાખવાની જરૂર છે. શું તંત્ર ઉતારુઓ પ્રત્યેની આટલી નાનકડી ફરજ પણ નિષ્ઠાપૂર્વક બજાવશે?

અાત્મહત્યાનું ડેસ્ટિનેશન બની રહેલો ડબલ ડેકર અોવરબ્રિજ
Overbridge
એક્સપ્રેસ વે પર સીટીએમ પાસે અાવેલો ડબલ ડેકર અોવરબ્રિજ હવે સુસાઈડ પોઈન્ટ બની ગયો છે. ગત સપ્તાહમાં અા બ્રિજ ઉપરથી બે વ્યક્તિએ પડીને અાત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજો યુવાન નીચેથી પસાર થતી નેનો કાર ઉપર પડતાં બચી ગયો હતો. જો કે નેનો કારમાં બેસેલી વ્યક્તિને ઈજાઅો પહોંચી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. અામ હવે અા બ્રિજ ઉપર પણ તંત્રે દેખરેખ રાખવી પડશે.

You might also like