મેટ્રો ડાયરી: ઈ-મેમો ભરવા નાગરિકોને ધક્કા ખાવા પડે છે

અા ખંડિત સ્ટેચ્યુ ક્યારે રિપેર થશે?statue
શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલા બહુચરમાતાચોક પાસે મૂકેલું સ્ટેચ્યૂ ખં‌િડત થઇ ગયું છે. બહેરામપુરાથી શાહઆલમ ટોલનાકા જવાના રોડ ઉપર આવેલ બહુચરમાતાચોક પાસે ઘણાં વર્ષથી ગરબા કરતા એક પુરુષ અને બે મહિલાનું ગરબા કરતું સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું હતું, જોકે આજે આ સ્ટેચ્યૂમાં બે મહિલાઓના હાથ તૂટી ગયા છે. રોડ પરથી પસાર થતા લોકો માટે આ સ્ટેચ્યૂ આકર્ષણનું કેન્દ્ર નહીં, પરંતુ હાસ્યનું કેન્દ્ર બની ગયું છે. ખંડિત થઇ ગયેલા આ સ્ટેચ્યૂને સત્તાવાળા ‌રિપેર પણ કરતા નથી કે હટાવી પણ લેતા નથી.

મ્યુનિ.માં ખાલી ચેમ્બર અોફિસોમાં અેસી ધમધમતા જ રહે છે!amc-123
મ્યુનિ. કોર્પોરેશનની ખમાસા દાણાપીઠ ખાતે ૧૦.૩૦ આવેલા મુખ્યાલયને લોકમુખે ‘કોઠા’ તરીકે ઓળખાય છે. આ ‘કોઠાે’ ભવ્ય કોર્પોરેટ ઓફિસનો દેખાવ ધરાવતો થઇ ગયો છે. પરંતુ સામાન્ય નાગરિકો માટે આજેય ‘કોઠાે’ ભેદવો કપરો જ છે! હવે વાત કરીએ નવા જમાનાના રાજા મહારાજાઓની એટલે કે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓની. આ લોકો હવે હોટ વ્હીલર ધરાવતા થયા હોઇ ‘વૈભવ પ્રિય’ થયા છે. એટલે જ જેમને નીચલી કમિટીઓના ચેરમેન ડેપ્યુટી ચેરમેન બનાવાયા છે તે પૈકીના મોટા ભાગનાઓને સુખ સુવિધા ગમે છે. આ તમામ હોદ્દેદારોને ચોથા માળે ‘એસી ઓફિસ’ ફાળવાઇ છે. તેમની ઓફિસની સામે જ ‘એસી’ પક્ષ કાર્યાલય છે. પરંતુ કાર્યાલયમાં ‘હાજરી’ પુરાવાના શોખીન ચેરમેન પોતાની ઓફિસના ‘એસી’ ચાલુ જ રખાવે છે! એટલે જયારે પણ કાર્યાલયમાંથી છૂટીને ઓફિસમાં જાય તો ત્યાં ‘એસી’થી ઠંડક મળી રહે! આવા ‘કોના બાપની દિવાળી’ના ઠાઠમાઠમાં રાચતા વિલાસપ્રિય પ્રજાના પ્રતિનિધિઓના કારણે ‘કોઠા’નું દર મહિનાનું લાઇટ બિલ અધધ.. એટલે કે રૂ.૧૩ થી ૧૪ લાખનું આવે છે!!

શાકભાજીના ભાવવધારો પણ ડુંગળી-બટાકાથી રાહતonian-potato
શાકભાજીના ભાવો છેલ્લા કેટલાક દિવસથી ભડકે બળે છે પણ રિટેલ બજારમાં ડુંગળી-બટાકા ૨૦થી ૨૫ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ વેચાઇ રહ્યાં છે. હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ છે. શાકભાજીના છૂટક બજાર કરતાં મોલમાં ડુંગળી-બટાકા નીચા ભાવે વેચાઇ રહ્યાં છે. છૂટક બજારમાં દલાલ તથા રિટેલર્સનો ઊંચો નફાનો ગાળો હોવાના કારણે ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે. તેની સામે મોલમાં પાંચથી સાત રૂપિયા નીચા ભાવે ડુંગળી-બટાકા વેચાઇ રહ્યાં છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓના કહેવા પ્રમાણે મોલમાં નફાનો ગાળો ઓછો હોવાના કારણે ડુંગળી બટાકા નીચા ભાવે વેચાઇ રહ્યા છે તો તેની સામે છૂટક વેપારીઓ નફાનો ગાળો ઊંચો રાખે છે, તેના કારણે ૨૦થી ૨૫ રૂપિયે કિલોના ભાવે છૂટકમાં પડે છે.

સરકારી સેક્શન ઓફિસર સફાઈનું પણ કરશે મોનિટરિંગ
માર્ચ-ર૦૧૭ સુધી ચાલનારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે એક પરિપત્ર દ્વારા જાહેર કર્યું છે કે સરકારી કર્મીએ ગુટખા કે પાન-મસાલા સાથે ઓફિસમાં આવવું નહીં કે ધૂમ્રપાન કરવું નહીં. વાત બરાબર છે, પણ ગુટખા, ધૂમ્રપાન, પાન-મસાલા ખાનાર કર્મચારી સામે શિસ્ત વિષયક કાર્યવાહી જે તે વિભાગના ટોઇલેટની જાળવણી, નિયમિત સફાઇ, કચરાના નિકાલ કે શાળાની સફાઇ વગેરેની વિશેષ તકેદારીના ભાગરૂપે મોનિટરિંગ કરવાની જવાબદારી જે તે વિભાગના સેકશન ઓફિસરને સોંપવામાં આવી છે, જેથી સરકારી કર્મી કચેરીમાં ગુટખા ખાઇને પિચકારી મારતો જોવા મળે તો સરકારના આ સેકશન અધિકારીએ તેને અટકાવવાે પડશે અને તેની સામે પગલાં પણ લેવાં પડશે અને સ્વચ્છતા અંગેની જાળવણીની જવાબદારી નિભાવવી પડશે.

ઈ-મેમો ભરવા નાગરિકોને ધક્કા ખાવા પડે છેe-memo
શહેરના ચાર રસ્તા ઉપર હવે જો તમે ટ્રાફિકના નિયમનો ભંગ કરો છો તો તમારા ઘરે પોલીસકર્મી ઇ-મેમો આપવા આવે છે અને આ ઇ-મેમોનો દંડ તમારે જાતે પોલીસ સ્ટેશન જઇ ભરવાનો હોય છે અથવા ત્યાં જ ચૂકવવો પડે છે, પરંતુ પોલીસ સ્ટેશનમાં જઇ દંડ ભરવાનો આવે તો હવે પોલીસે પણ ધક્કા ખવડાવવાનું શરૂ કરી દીધું છે. તેઓ ઇ-મેમોના ચલણની બુક પૂરી થઇ ગઇ હોવા છતાં પોલીસ કમિશનર ઓફિસથી ચલણ માટેની બુક મંગાવી શકતા નથી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ બે દિવસ ઇ-મેમો ભરવા ધક્કા ખાઇને પરત ફરી હતી અને પીએસઓ તેઓને ઇ-મેમોની બુક જ નથી આવી તેમ કહી રવાના કરી દેતા હતા અને વ્યક્તિ વીલા મોંએ પોલીસના બેદરકાર તંત્ર સામે ગુસ્સો ઠાલવી પરત ફરી હતી.

You might also like