ચેન્નઈમાં ૨૪ કલાકમાં ભારે વરસાદની ચેતવણી, 2015ના જેવા જ પૂરની આશંકા

તામિલનાડુના પાટનગર ચેન્નઈમાં સતત થઈ રહેલા વરસાદના કારણે ૨૦૧૫ બાદ પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. તામિલનાડુ સરકારે હવામાન વિભાગની ૨૪ કલાકમાં ભારે વરસાદની ચેતવણી બાદ ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ્ જિલ્લામાં શાળા અને કોલેજો બંધ રાખવા આદેશ આપ્યો છે. શુક્રવાર પહેલાં વરસાદ અટકવાની સંભાવના ઓછી હોવાથી શાળા અને કોલેજ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. હજુ ચાર દિવસ વરસાદ ચાલુ રહે તેવી આગાહી હોવાથી હવામાન વિભાગે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા આદેશ આપી દીધો છે. સતત વરસાદથી ચેન્નઈમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતાં જનજીવન ઠપ થઈ ગયું છે અને હજુ પણ વરસાદ ચાલુ રહેતાં ચેન્નઈમાં સ્થિતિ વિકટ બને તેવી સંભાવના છે.

આ અગાઉ ગત સોમવારે તોફાની પવન સાથે થયેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં પૂરની સંભાવના વધી ગઈ છે. ચેન્નઈમાં પ્રતિકલાક ૩૫ થી ૫૫ કિમીની ઝડપે પવન વહેતાં પોંડિચેરી અને અન્ય મહાનગરમાં પણ ભારે વરસાદ થયો છે, તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદના કારણે થંજાવુરના ઓર્થેનાડુમાં મકાન પડી જતાં એક યુવાનનું મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં પણ ચેન્નઈમાં ભારે વરસાદ થતાં પૂર આવ્યું હતું તે વખતે તામિલનાડુમાં ૨૦૦થી વધુ વ્યકિતનાં મોત થયાં હતાં. સતત વરસાદથી ચેન્નઈમાં અનેક સ્થળે પાણી ભરાઈ ગયાં છે, જેમાં ચેન્નઈ કોર્પોરેશને ૩૦૦ જેટલા નીચાણવાળા વિસ્તારમાં પાણીનો નિકાલ કરવા કામગીરી હાથ ધરી છે. અને અહીં પૂરનો ખતરો ઊભો થતાં આવા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આ‍વી છે. આ માટે ૧૭૫ જેટલા રાહત કેમ્પ પણ ઊભા કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગના વાવાઝોડા ચેતવણી સેન્ટરના ડાયરેક્ટર એસ. બાલાચંદ્રને જણાવ્યું કે આ વખતે પણ શ્રીલંકા પાસે જ વાવાઝોડું સક્રિય બની રહ્યું છે, તેનાથી તામિલનાડુ તેમજ કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે, જોકે હવામાન વિભાગે આંતરિક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. ડિસેમ્બર-૨૦૧૫માં પણ ભારે વરસાદ અને પૂરના કારણે આ રાજ્યમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેમાં ચાર લાખથી વધુ લોકો બેઘર બનતાં તેમને રાહત કેમ્પમાં રહેવું પડ્યું હતું. તે વખતે ૨૦ હજાર કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું હતું અને હાલ ચેન્નઈમાં જે રીતે ભારે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ચેન્નઈ તેમજ આસપાસના વિસ્તારમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન ઠપ થઈ ગયુ છે, જોકે પૂરરાહત વિભાગ દ્વારા હાલ રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે તેમજ સંભવિત પૂરની સ્થિતિ ટાળવા માટે ખાસ તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

You might also like