માથાભારે શખસોના ત્રાસથી વેપારીના પુત્રઅે અેસિડ પી લીધો

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વેપારીના સગીર પુત્રને ચાર જેટલા શખસોએ બળજબરીપૂર્વક પૈસા આપવા મજબૂર કરતાં સગીરે અડાલજ પોરગામ રોડ પર એસિડ પી લીધો હતો, જેથી તેને અડાલજ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અડાલજ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી કર્મયોગ વિભાગ-2 સોસાયટીમાં યોગેશસિંહ મોડસિંહ રાવ (ઉ.વ.16) તેના પરિવાર સાથે રહે છે. યોગેશના પિતાની અમરાઈવાડી ખાતે યોગેશ સ્ટીલના નામે દુકાન છે, જેમાં તે મદદ કરે છે. 19 જુલાઈના રોજ યોગેશ તેના મોટાબાપાના દીકરાનું બાઈક લઇને સોસાયટીમાંથી નીકળતો હતો ત્યારે તેની સોસાયટીમાં રહેતો હાર્દિક તેજાભાઈ દેસાઈ તેને મળ્યો હતો અને સાંજ સુધીમાં રૂ.15 થી 20 હજાર આપી દેવા જણાવ્યું હતું. અવારનવાર હાર્દિકે યોગેશને બળજબરીપૂર્વક 2.5 લાખ રૂપિયા આપીને વધુ પૈસા પડાવવા માટે મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધું હતું, જેથી યોગેશ પાસે હાર્દિક અવારનવાર ધમકી આપી માર મારી પૈસા પડાવતો હતો.

19 જુલાઈએ હાર્દિક દેસાઈ, સંજય દેસાઈએ યોગેશને માર મારતાં ને રાહુલ તોમર અને રઘુ ચૌહાણે પૈસા આપી દેવા ધમકી આપતાં યોગેશે અડાલજ પોરગામ રોડ પર એસિડ પી લીધો હતો. એસિડ પી લેતાં તેને સારવાર માટે અડાલજ પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઇ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. અડાલજ પોલીસે આ અંગે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસના તપાસ અધિકારી અને અડાલજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.જી.એનુરકારે જણાવ્યું હતું કે આ કેસ બાબતે મને કોઈ ખ્યાલ નથી.
http://sambhaavnews.com/

You might also like