વેપારી સ્કૂટર પાર્ક કરતા હતા ને બાઈકર્સ દાગીનાની બેગ લૂંટી ફરાર

અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં મોડી રાતે બાઇક પર આવેલા બે શખ્સ સોની પાસેથી સોના ચાંદીના દાગીનાની બેગ ઝુંટવીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઘર પાસે સોની પોતાનું સ્કૂટર પાર્ક કરતા હતા. તે સમયે ચીલઝડપની ઘટના બની હતી.ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું.

નરોડા વિસ્તારમાં આવેલી પલ્લવ સોસાયટીમાં રહેતા અને સોના ચાંદીનો વેપાર કરતા 60 વર્ષિય શામળજીભાઇ ચેલાજીભાઇ સોની ગઇકાલે મોડી રાતે દુકાન બંધ કરીને સોના ચાંદીના દાગીના એક બ્લેક કલરની બેગમાં લઇને આવતાં તેમના ઘરે આવ્યા હતા. સ્કૂટર પાર્ક કરતા હતા તે સમયે બાઇક પર આવેલા બે શખ્સ શામળજીભાઇ પાસેથી 65 હજારના સોના ચાંદીના દાગીના તથા 1500 રૂપિયા રોકડ ભરેલી બેગની ચીલઝડપ કરીને ફરાર થઇ ગયા હતા.

ઘટનાની જાણ નરોડા પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છેકે પલ્લવ સોસાયટી પાસેની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી ચીલઝડપ કરવા માટે આવેલા શખ્સની બાઇકનો નંબર મળી શક્યો નથી ત્યારે નરોડા પોલીસે ઘટના સ્થળ પરના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર તસ્કરો છેલ્લા ઘણા સમયથી શામળજીભાઇ પર નજર રાખીને બેઠા હતા. શામળજીભાઇ સવારે જ્વેલર્સની દુકાન ખોલવાનો સમય, બંધ કરવાનો સમય, ક્યા રોડથી ઘરે જાય છે તે તમામ જાણકારી શખ્સને હતી.
http://sambhaavnews.com/

You might also like