વેપારીએ પોઈન્ટ બ્લેન્ક ગોળી મારી અાત્મહત્યા કરી લેતાં સનસનાટી

અમદાવાદ: મોરબીમાં એક વેપારીએ પોતાની ઓફિસમાં જ રિવોલ્વરમાંથી પોઈન્ટ બ્લેન્ક લમણે ગોળી મારી અાત્મહત્યા કરી લેતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર ઓફિસ ધરાવતા અને જમીન-મકાનના વ્યવસાય સહિત અન્ય નાના-મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલા સચિન રાયજાદાએ બપોરના સમયે પોતાની ઓફિસમાં જ લાઈસન્સવાળી રિવોલ્વરથી જાતે લમણા પર ગોળી મારી અાત્મહત્યા કરી લીધી હતી.

મોરબીના કાયાજી રોડ પર પોતાના પરિવાર સાથે રહેતા સચિન રાયજાદા ત્રીજા માળે અાવેલી પોતાની ઓફિસ અંદરથી બંધ કરી અા અંતિમ પગલું ભર્યું હતું. સાંજના ચાર વાગ્યાના સુમારે તેમનો પુત્ર ઓફિસે અાવતા ઓફિસ અંદરથી બંધ હોવાનું જણાતા તેને અાજુબાજુના લોકોને બોલાવી ઓફિસ ખોલાવીને જોતાં તેના પિતાનો મૃતદેહ મળી અાવ્યો હતો. ઘટનાસ્થળેથી રિવોલ્વર અને કારતૂસ મળી અાવ્યા હતા. અા વેપારીએ અાપઘાત શા માટે કર્યું તે અંગે અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે, પરંતુ અાપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે અા શંકુલમાં અાવેલા અન્ય વેપારીઓની પૂછપરછ કરી તેમજ સચિનભાઈના ઘરના સભ્યોની પણ પૂછપરછ કરી નિવેદનો લીધા છે. પોલીસે અાપઘાતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like