દાણીલીમડામાં વેપારી પર ચાર શખસોનો તલવાર વડે હુમલો

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક વેપારી એક લાખ રૂપિયા પરત માગવાની બાબતે ચાર શખ્સોએ તલવાર અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો છે. દાણીલીમડામાં આવેલ ન્યૂ શાહઆલમ નગરમાં રહેતા અને રેડીમેડનો વેપાર કરતા મુશર્રફભાઇ મુસ્તાકભાઇ શેખે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મુશર્રફભાઇની પુત્રી ફરિનબાનુની સગાઇ રશીદખાન પઠાણના પુત્ર સહેજાદ સાથે નક્કી કરી હતી. જેમાં રશીદખાનને એક લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. ત્યારબાદ કોઇ કારણોસર મુશર્રફભાઇએ તેમની પુત્રીની સગાઇ તોડી નાખી હતી. જેથી તેમણે રશીદખાન પાસે એક લાખ રૂપિયા પરત માગ્યા હતા. રશીદખાને રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

સોમવારના દિવસે બપોરે અઢી વાગ્યાની આસપાસ મુશર્રફભાઇ એકટિવા રિપેર કરાવવા માટે ગયા હતા ત્યારે રશીદખાનના પુત્ર ફિરોજ, મોહસીને તેમને જોઇને ઉશ્કેરાયા હતા અને બીભસ્ત ગાળો બોલીને માર મારવા લાગ્યા હતા. ફિરોજના મિત્રો અસલમ ઉર્ફે પોપટ અને હસીક પઠાણ તલવાર લોખંડની પાઇપ લઇને આવ્યા હતા અને મુશર્રફભાઇ પર તૂટી પડ્યા હતા.

ચારેય શખ્સો મુશર્રફભાઇને તલવાર તેમજ પાઇપોના ફટકા મારીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત મુશર્રફભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાણીલીમડા પોલીસે આ મામલે ચાર શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like