દેશનાં તમામ પ્રાણી સંગ્રહાલય બંધ કર‌ી દેવાં જોઈએઃ મેનકા

નવી દિલ્હી: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ ગૌહત્યા બંધ કરવા માટે રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન વિરોધ અભિયાન શરૂ કરવા હાકલ કરી છે અને દેશભરનાં પ્રાણી સંગ્રહાલય બંધ કરવા સૂચન કર્યું છે.
સોશિયલ મીડિયા પર કલાક સુધી ચાલેલી વાતચીતમાં મેનકા ગાંધીએ વિવિધ વિષય પર ઓનલાઇન યુઝર્સના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. મોદી સરકારનાં બે વર્ષની સમાપ્તિ પર મંત્રાલયની સિદ્ધિઓની ચર્ચા કરવા માટે આયોજિત સંવાદમાં એક પ્રશ્નના ઉત્તરમાં મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે હું ગૌહત્યા રોકવા માટે ભરપૂર પ્રયાસો કરી રહી છું.
આ બધાનું મૂળ ઓક્સિટોસીન ઇન્જેકશન પર પ્રતિબંધ મૂકવામાં રહેલું છે અને હું દરરોજ આરોગ્ય મંત્રાલયને તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જણાવું છું. ગૌહત્યા રોકવા માટે આપણે દેશભરમાં ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વિરોધ અભિયાન ચલાવવું્ પડશે.
પશુ અધિકાર કર્મશીલ તરીકે સક્રિય ભૂમિકા ભજવનાર મેનકા ગાંધીએ દેશભરનાં તમામ પ્રાણી સંગ્રહાલય પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કરતાં જણાવ્યું હતું કે પ્રાણી સંગ્રહાલય હવે બાળકોનાં મનોરંજનનાં સ્થળ રહ્યાં નથી, પરંતુ અસામાજિક તત્ત્વોના અડ્ડા બની ગયા છે. હું સંપૂર્ણપણે પ્રાણી સંગ્રહાલયની વિરુદ્ધ છું અને તમામ પ્રાણી સંગ્રહાલય બંધ કરી દેવા જોઇએ. પ્રાણી સંગ્રહાલય જમીન પરના નરક સમાન છે. તેના કર્મચારીઓ તાલીમ પામેલા નહીં હોવાથી પ્રાણી સંગ્રહાલયમાં પશુુઓનો મૃત્યુદર વધી રહ્યો છે.

You might also like