ઘાટલોડિયાના યુવકની લાશ ગોધાવીનાં તળાવમાંથી મળી

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલા ગોધાવી ગામના તળાવમાંથી ગઈ કાલે સવારે યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરાતાં બોપલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ તપાસમાં મૃતક યુવક ઘાટલોડિયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. માથામાં ઇજાનાં નિશાન મળી આવતાં હત્યા કે આત્મહત્યાની આશંકાને પગલે પોલીસે લાશનું પીએમ કરાવી રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગઈ કાલે સવારે સાણંદ પાસે આવેલા ગોધાવી ગામના તળાવમાંથી એક રપ વર્ષના આશરાના યુવકની લાશ મળી આવી હતી. સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસને કરતાં બોપલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં મૃતક યુવક વિપુલ ઈશ્વરભાઈ દેસાઈ (રહે. ઘાટલોડિયા) હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મૃતકના માથામાં ઇજાનાં નિશાન મળી આવ્યાં છે. પોલીસે લાશનું પીએમ કરાવી રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા કે આત્મહત્યાની આશંકાને પગલે રિપોર્ટ આવ્યા બાદ જ ખરી હકીકત બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.

You might also like