મેમનગરમાં મહિલા બેન્ક કર્મચારીનો આપઘાત

અમદાવાદ: અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા અવધ એપાર્ટમેન્ટમાં ગઇ કાલે મોડી રાત્રે પતિએ સમયસર જમવાનું નહીં બનાવવાનો ઠપકો આપવાના મામલે મહિલા બેન્ક કર્મચારીએ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઘાટલો‌િડયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મેમનગર વિસ્તારમાં આવેલા અવધ એપાર્ટમેન્ટમાં રહેતાં અને એડીસી બેન્કમાં ફરજ બજાવતાં 46 વર્ષીય રીટાબહેન પટેલે ગઇ કાલે મોડી રાત્રે આત્મહત્યા કરી લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર રીટાબહેનના પતિ કલ્પેશભાઇ પટેલ બ‌િલ્ડિંગ કોન્ટ્રાક્ટર છે તથા અંકુરમાં સિઝનેબલ ધંધો કરે છે. ગઇ કાલે મોડી રાત્રે સમયસર જમવાનું નહીં બનાવવા મામલે કલ્પેશભાઇ પટેલ રીટાબહેનને ઠપકો આપીને ફ્લેટમાં દોસ્તો સાથે બેસવા માટે જતા રહ્યા હતા. રીટાબહેનને કલ્પેશભાઇની વાતનું લાગી આવતાં તે બાથરૂમમાં કેરોસીન લઇને ગયાં હતાં અને અગ્નિસ્નાન કરી લીધું હતું. બાથરૂમમાંથી ધુમાડા બહાર આવતાં તથા રીટાબહેનની બૂમો સાંભળતાંની સાથે ફ્લેટના રહીશો ભેગા થઇ ગયા હતા અને કલ્પેશભાઇના ઘરમાં જઇને રીટાબહેન પર લાગેલી આગ બુઝાવી હતી. આ ઘટનામાં રીટાબહેનનું ઘટનાસ્થળે મોત થયું હતું.

ઘાટલો‌ડિયા પોલીસને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રીટાબહેનની લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. રીટાબહેનના આપઘાત કરવા પાછળનું સાચું કારણ શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. હાલ તો રીટાબહેનના આપઘાત પાછળનું કારણ કલ્પેશભાઇએ આપેલો ઠપકો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

You might also like