મેમનગરમાં અાખો રસ્તો કચરાની  ડમ્પિંગ સાઈટમાં ફેરવાયો!

અમદાવાદ: શહેરના મેમનગર વિસ્તારમાં અાવેલ વિવેકાનંદ ચોકથી 132 ફૂટ રોડ (દિવ્યપથ સ્કૂલ) તરફ જવાના માર્ગની સાઈડમાં છેલ્લા કેટલાક સમયથી કચરા સહિતનાનું ડમ્પિંગ કરવામાં અાવી રહ્યું છે. જેના કારણે અા કોર્પોરેશનમાં રજૂઅાત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન અાવતા સ્થાનિક રહીશો અને સ્કૂલના વાલીઅો માં ભારે નારાજગી પ્રસરી છે.

મેમનગર વિસ્તારમાં અાવેલા વિવેકાનંદ ચોકથી 132 ફૂટ રોડ તરફ જવાના દોઢેક કિ.મી.ના માર્ગની બાજુના ભાગે છેલ્લા પાંચ છ મહિનાથી રોજ રાતના સમયે કચરો, કપચી, ગટરના તૂટેલાં ઢાંકણાં, પેવર બ્લોકનો ખરાબો, ઈંટો, તોડી પડાયેલાં મકાનોનો કાટમાળ ડમ્પરો ભરીને ઠાલવવામાં અાવી રહ્યાે છે. અા અાવા કચરા અને ખરાબાનું ડમ્પિંગ એટલી હદ સુધી વિસ્તરી ગયું છે કે રોડ પરથી પસાર થતાં રાહદારી અને વાહનચાલકોને ઊઠીને અાંખે વળગે છે પણ એએમસીના તંત્રવાહકોને ધ્યાને અાવતું નથી તેવી ફરિયાદ ઊઠવામાં પામી છે.

સૌથી મહત્વની બાબત એ છે કે અા વિસ્તારમાં દિવ્યપથ સ્કૂલ અાવી છે. અા કચરા અને ખરાબાનાં ડમ્પિંગને લીધે શાળાનાં બાળકોનાં અારોગ્યને હાનિ પહોંચી શકે છે. અા અંગે શાળાના એક વાલી કલ્પેશભાઈ જાની દ્વારા એએમસીના નવા પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર રણજિત બારડને ગત તા. 1 જુલાઈના રોજ રજૂઅાત કરી હતી. જો કે અાજ દિન સુધી તેમની રજૂઅાતનો કોઈ નિકાલ અાવ્યો નથી.

અા અંગે બોડકદેવ વોર્ડના કોર્પોરેટર દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અા બાબત મારી જાણમાં અાવેલી છે.  જો કે અા ડમ્પિંગ રાતના સમયે કરવામાં અાવે છે. અને તે પાછું ખાનગી જગ્યામાં કરાય છે. અાથી અાવા લોકો સામે પગલાં લઈ શકાય નહીં માત્ર નોટિસ અાપી શકાય.

અા અંગે નવા પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રણજિત બારડનો સંપર્ક કરાયો હતો પરંતુ તેની ઉપર માત્ર રિંગ જ વાગતી રહી હતી. વિવેકાનંદ ચોકથી 132 ફૂટ રોડ સુધીના દોઢ કિ.મી. લાંબા માર્ગ ઉપર અંદાજે 300 મીટર કરતાં વધુના પટ્ટામાં રાતના સમયે ડમ્પરોનાં ડમ્પરો ભરીને કચરો અને બાંધકામનો કાટમાળ ઠાલવવામાં અાવી રહ્યો છે.

તંત્ર દ્વારા અા વિસ્તારમાં એક નોટિસ બોર્ડ લગાવવામાં અાવ્યું છે. જેમાં નોટિસ મૂકવામાં અાવી છે કે અહીંયા કોઈએ ગંદકી કરવી નહીં, પૂરણી, કચરો, ડેબ્રિસ નાખવાં નહીં. જે કોઈ પકડાશે તેના ઉપર પગલાં લેવામાં અાવશે. તેમ છતાં અા નોટિસ બોર્ડની ફરતાં ઢગલા જોવા મળે છે.

You might also like