મેમ્કોમાં છ ભાઈ, માતા-પિતાએ ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યોઃ યુવાનનું મોત

અમદાવાદ: શહેરમાં ફરી એક વાર સામાન્ય બાબતે ઘાતક હથિયારો વડે હુમલો કરી યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ગત રાત્રે મેમ્કો વિસ્તારમાં આવેલા ગોકુલનગરમાં યુવકને ગાળો બોલવાની ના પાડતાંં યુવકના પરિવારજનોએ ઉશ્કેરાઇ જઇ ઘાતક હથિયારો વડે ત્રણ શખ્સો પર હુમલો કર્યો હતો. ત્રણેયને સારવારઅર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજયું હતું. આ અંગે શહેરકોટડા પોલીસે માતા-પિતા અને છ પુત્રો સહિત નવ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે મેમ્કો વિસ્તારમાં આવેલ રચના સ્કૂલ નજીકના ગોકુલનગરમાં સુખલાલ ઉર્ફે સુખદેવ માંગીલાલ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે રહે છે. રચના સ્કૂલની સામે આવેલા સહકારનગરમાં રવિ રામપ્રકાશ જાટવ પોતાના પરિવાર સાથે રહે છે. ગઇ કાલે રાત્રે ૮-૩૦ વાગ્યાની આસપાસ રવિ ગોકુલનગર નજીક ભૈરવનાથ કિરાણા સ્ટોર પાસે ઊભો હતોે. ગોકુલનગરમાં રહેતા સુખલાલ પ્રજાપતિના બનેવી કૈલાસભાઇ અને ચંદુભાઇ ત્યાં ઊભા હતા.

દરમિયાનમાં રવિએ સુખલાલના ઘર નજીક ગાળાગાળી કરતાં ચંદુભાઇએ રવિને ગાળાગાળી ન કરવા જણાવ્યું હતું. જેથી રવિ ઉશ્કેરાઇ ગયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. રવિએ આ અંગે પોતાનાં માતા-પિતાને વાત કરતાં તેના પિતા રામપ્રકાશ જાટવ, માતા કેશકુમારી જાટવ, તેના ભાઇઓ ક્રિશ્ના ઉર્ફે કાનો જાટવ, જિગર, દીપક, પવન, સુગ્રીવ અને સાગર સુંદરલાલ જાટવ તલવાર, પાઇપ, છરી જેવાં ઘાતક હથિયારો સાથે દોડી આવ્યા હતા અને ચંદુભાઇ, કૈલાસભાઇ પર હુમલો કર્યો હતો. આ ઘટના બનતાં બીરજુ નામનો શખ્સ પણ ત્યાં દોડી આવ્યો હતો. તેને પણ તમામે ભેગા મળી ઢોર માર માર્યો હતો. ત્રણેયને ગંભીર ઇજા થતાં સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં મોડી રાત્રે કૈલાસભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ શહેરકોટડા પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. શહેરકોટડા પોલીસે સુખલાલની ફરિયાદના આધારે હુમલો કરનાર પરિવાર સામે હત્યાનો ગુુનો નોંધી તેઓની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
http://sambhaavnews.com/

You might also like