અમેરિકા: લુઈસવીલમાં ફરીથી એક ગુજરાતીની હત્યા

ભારતીય નાગરિકોની વિદેશમાં હત્યા થવાના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. ત્યારે હાલમાં જ ગુજરાતના મહેસાણાના અંબાસણના મૂળ વતની અને જુવાનજોધ મૌલિક પટેલની હત્યા કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમેરિકાના કન્ટકી સ્ટેટના લુઈસવીલ શહેરમાં માત્ર એક મોબાઈલ ફોનની લૂંટના ઈરાદે ગુજરાતના મહેસાણાના અંબાસણના મૂળ વતની અને જુવાનજોધ મૌલિક પટેલની હત્યા કરવામાં આવી છે. દોઢ વર્ષ પહેલાં જ 21 વર્ષનો મૌલિક પોતાની બહેન સાથે લુઈસવિલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે પહોંચ્યો હતો. ત્યાંના ગુરૂવારે મોડી રાત્રે તે 4900 સેડલબ્રુક લેઈન ખાતે પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. ત્યાં અચાનક જ તેને પાછળથી ગોળી મારવામાં આવી હતી.

રાત્રિના 11.30 થયા હશે. પોતાના એક મિત્ર સાથે મોબાઈલ પર વાત કરતાં ચાલતો ચાલતો તે પોતાના ઘરથી માંડ 500 મીટર દૂર કેઈન રન રોડની સામે 3005 રોકફર્ડ લેન ખાતે પહોંચ્યો. ત્યાં પાછળથી કેટલાક અજાણ્યા શખ્સે તેનો મોબાઈલ માંગ્યો. મૌલિકે રોડની સામે જ આવેલા કન્વીનિયન્સ સ્ટોરમાંથી ફોન કરવા કહ્યું. અચાનક જ તેને પાછળથી ગોળી મારવામાં આવી અને હુમલાખોરો ભાગી ગયા. ચાર જ મિનિટમાં દોડી આવેલી પોલીસે તેને ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલો જાહેર કર્યો અને સમગ્ર વિસ્તારમાં કોઈએ હુમલાખોરોને જોયા છે કે નહીં તેની તપાસ કરી હતી. જે સ્થળે મૌલિક પર હુમલો થયો ત્યાં દરરોજ બાળકો અને વૃદ્ધો વોકિંગ કરવા માટે આવે છે.

મૌલિકના માતા પિતા ભારતમાં છે. પિતા કનુભાઈ પટેલ જગુદણ શાળામાં શિક્ષક છે. પુત્રને ધો 12માં સારા માર્ક આવ્યા હોવાથી તેને વધુ અભ્યાસ માટે પુત્રી જૈમિની સાથે કન્ટકીના લુઈસવિલમાં ભણવા મોકલ્યો. મૌલિકના મૃત્યુની જાણ થતાં જ જૈમિની અને અન્ય પરિચિતો ત્યાં પહોંચી ગયા હતા. થોડા જ સમયમાં તેમણે અંબાસણમાં પિતાને પણ જાણ કરી. સમાચાર મળતાં જ કનુભાઈ ભાંગી પડેલા અને નાનકડા અંબાસણમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું.

પુત્રનો ચહેરો જોવા માંગતા માતા પિતા મૌલિકના મૃતદેહને વતનમાં લાવવા ઈચ્છે છે. પરંતુ અંતિમ સંસ્કાર લુઈસવિલ શહેરમાં જ થાય તેમ માનવામાં આવે છે. નોંધનીય છે કે લુઈસવિલ શહેરમાં છેલ્લા એક વર્ષમાં હત્યાની આ 48મી ઘટના છે.

You might also like