મહેસાણામાં હિંસા મામલે ‘પાસ’ કન્વીનરની ધરપકડ

અમદાવાદ: પાટીદારોનાં જેલભરો આંદોલન દરમિયાન મહેસાણામાં થયેલી હિંસા મામલે એસપીજી પ્રમુખ લાલજી પટેલ સહિત ૩૭ લોકો સામે હત્યાના પ્રયાસ અને લૂંટનો ગુનો નોંધાયો છે. જેમાં પોલીસે અત્યાર સુધી ર૧ જેટલા લોકોની ધરપકડ કરી છે. ગઇકાલે મહેસાણા એલસીબીની ટીમે અા ગુનામાં ઉત્તર ગુજરાતના ‘પાસ’ના કન્વીનર નરેન્દ્ર પટેલની અને પાસના સભ્ય સુરેશ પટેલની ધરપકડ કરી છે. પોલીસે આજે તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવે તેવી શકયતા જણાઇ રહી છે. હાલમાં લાલજી પટેલ હોસ્પિટલમાં દાખલ હોઈ તેમના તબીબી રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે અને ત્યારબાદ તેઅોની ધરપકડની કાર્યવાહી કરવામાં અાવશે તેમ પોલીસ સૂત્રોઅે જણાવાયું હતું.

જેલ ભરો આંદોલન દ‌રમિયાન લાલજી પટેલ અને અન્ય પાટીદાર આગેવાનોનાં ઉશ્કેરણીજનક ભાષણોથી જેલ ભરો આંદોલનની રેલીમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસ પર પથ્થરમારો થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ભડકી ઊઠેલી હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મામલે મહેસાણાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસપીજી પ્રમુખ લાલજી પટેલ સહિત ૩૭ સામે નોંધાયેલી ફરિયાદમાં ર૧ લોકોની પોલીસે ધરપકડ કરી છે.

આ ગુનામાં આરોપી ઉત્તર ગુજરાતના ‘પાસ’ના કન્વીનર નરેન્દ્ર પટેલની અને પાસના સભ્ય સુરેશ પટેલની પણ ગઇ કાલે મોડી રાત્રે મહેસાણા એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હત્યાના પ્રયાસ અને લૂંટના ગંભીર ગુનામાં સંડોવાયેલા તમામ અારોપીઅોની ધરપકડ કરવામાં અાવશે તેમ મહેસાણા એસપી ચેતન્ય માંડલિકે જણાવ્યું હતું. આ કેસમાં આરોપી રેશમા પટેલનું પણ આરોપી તરીકે નામ હોઇ બે દિવસ અગાઉ રેશમા પટેલ રાણીપ પોલીસ મથક ગયાં હતાં પરંતુ પોલીસે કેમ ધરપકડ કરી ન હોતી. લાલજી પટેલને ઇજા થતાં તેમને હાલમાં હોસ્પિટલ ખસેડાયાં છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

You might also like