મહેસાણાના રાજપુરમાં છોકરી ભગાડી જવાના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી

મહેસાણાના રાજપુર ગામ પાસે યુવતીને ભગાડી જવાની ધમકી આપવાના મુદ્દે બે જૂથ વચ્ચે જીવલેણ હથિયારો વડે હુમ બની હતી. જેમાં રબારી સમાજના આગેવાન રાજુ રબારીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે તેના ભાઇ કમશીભાઇને સારવાર માટે અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

યુવકની હત્યાની ઘટનાને પગલે મહેસાણા સિવિલમાં મોડી રાતથી રબારી સમાજના ટોળા ઘસી આવતા પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. નંદાસણ પોલીસે બને પક્ષે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે મહેસાણાના રાજપુર ગામના રાજુભાઇ ગાંડાભાઇ રબારી અને તેમના ભાઈ કમશીભાઈ સાથે કાર લઇ ગામની સીમમાંથી પસાર થતા હતા તે દરમ્યાનમાં રાજપુર ગામમાં જ રહેતા ઇમ્તિયાઝ અને તેના સાગરીતોએ તેમની કાર અટકાવી યુવતીને ભગાડી જવાની બાબતે બોલાચાલી કરી હતી.બીજી તરફ રાજુભાઇ અને તેમના અન્ય લોકોને જાણ થતા તેઓ પણ ગામની સીમમાં પહોંચી ગયા હતા.

બંને પક્ષોએ સામ સામે જીવલેણ હથિયારોથી મારામારી કરી હતી. ઇમ્તિયાઝે રાજુ રબારીને છરી મારી અને રસુલમિયાએ કમશીભાઇને ડાબા પગે સાંથળ અને પડખામા છરી મારી હતી.

ઈજાગ્રસ્ત રાજુભાઇ ગાંડાભાઇ અને કમશીભાઇ ગાંડાભાઇને સારવાર માટે મહેસાણા લઇ જવાયા હતા. જેમાં રાજુભાઇ સારવાર દરમ્યાન મોત થયું હતું. હુમલામાં થતાં રબારી સમાજના આગેવાનનું મોત થતા સમાજના લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા હતા અને આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડી હતી. પોલીસે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

હત્યાની ઘટના બાદ પોલીસે કુરેશી રાજુ, કુરેશી ભીખુમિયા, કુરેશી ઇકબાલમિયા, વિજય રાણા અને મલેક મોન્ટુમિયાની શંકાના આધારે અટકાયત કરી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન બેસાડી દેવાયા હતા.

નંદાસણ પોલીસે બને પક્ષે સામ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી બંને પક્ષના આરોપીઓને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે.

You might also like