મહેસાણાની શિક્ષિકાનો ગળા ફાંસો ખાઈ આપઘાત, સાસરિયા પક્ષ વિરૂદ્ધ ફરિયાદ

મહેસાણાનાં વીસનગર લિંક રોડ પર આવેલ અમનપાર્ક સોસાયટીમાં રહેતા અને ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલની શિક્ષિકાએ રવિવારે સવારે ઘરમાં પંખે લટકીને ગળે ફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી હતી.મૃતકની લાશનું સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવ્યુ હતું. પતિ,સાસુ,સસરાના માનસિક ત્રાસથી કંટાળી દુષ્પ્રેરણાથી આ પગલું ભર્યા અંગે મૃતક મહિલાના પિતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

પોલીસ સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે વડોદરાનાં નસીમબહેન મનસુરીના આઠેક વર્ષ પહેલા મહેસાણાના અમનપાર્કમાં રહેતા ઇમરાન સાથે લગ્ન થયા હતા. પરિવાર સાથે અમનપાર્કમાં રહેતા અને ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલની શિક્ષિકા નસીમબહેનના પતિ ઇમરાનભાઇ,પાંચ વર્ષની દીકરી સહિત પરિવારજનો રવિવારે સવારે બહાર ગયા હતા. ત્યારે ૩પ વર્ષીય નસીમબેન એકલા હોઇ ઘરમાં પંખે લટકી જીવન ટૂંકાવ્યુ હતું.

મૃતકની લાશને સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી. આ દરમ્યાન મૃતકનાં પિતા સહિત પિયરના સંબંધિતો વડોદરાથી દોડી આવ્યા હતા. મામલતદાર,પોલીસે પંચનામાની કાર્યવાહી કર્યા બાદ પેનલ ડોક્ટરની પોસ્ટમોર્ટમ કરીને મૃતકની લાશ તેણીના પિતાને સોપાઇ હતી. મૃતકનાં પિતા ભીખુભાઇ વલીભાઇ મનસુરી રહે વડોદરાએ દીકરી નસીમને તેણીનાં પતિ ઇમરાનભાઇ, સાસુ, સસરાએ માનસિક ત્રાસ ગુજારી મરવા દુષ્પ્રેરણા કરતાં આ પગલુ ભર્યાનો આક્ષેપ કર્યો હતો.

લગ્ન બાદ રૂ. ૧૦ લાખની માગણી કરી હતી જેમાં રૂ. બે લાખ આપ્યા પછી રૂ. ૮ લાખની માગણી કરતા હતા. સાસરિયાના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કર્યાના આક્ષેપ સાથે ભીખુભાઇ વલીભાઇ મનસુરીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના પતિ ઇમરાનભાઇ તેમજ સાસુ,સસરા વિરુદ્ધ કલમ ૩૦૬ હેઠળ ફરિયાદ નોધાવી હતી.

You might also like