મહેસાણા-તારંગા બંધ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય છેલ્લી ઘડીએ રદ

મહેસાણા: ચાર મહિનાથી બંધ મહેસાણા-તારંગા મીટરગેજ ટ્રેન શરૂ કરવાના નિર્ણયના ભાગરૂપે સ્ટાફ ફાળવાઈ ગયો, એન્જિન ડ્રાઇવરે પાટા પર શ્રીફળ વધેર્યું, પેંડા વહેંચ્યા અને મુસાફરોને ટિકિટ પણ અપાઈ, પરંતુ બે કલાક બાદ ટ્રેન શરૂ કરવાનો કોઈ જ નિર્ણય લેવાયો નહીં હોવાની જાહેરાત કરાતા મુસાફરો અટવાયા હતા. ટિકિટ પરત કરવા ગયેલા મુસાફરોને ટિકિટ બારી પર નાણાં પરત લેવાના મુદ્દે બોલાચાલી પણ થઈ હતી.

મહેસાણા-તારંગા મીટરગેજ ટ્રેન બ્રોડગેજમાં ફાળવવાનું તો બાજુમાં રહ્યું, જે મીટરગેજ ટ્રેન ચાલતી હતી તે પણ ગત બીજી ઓકટોબરથી બંધ કરી દેવાતા મહેસાણાથી વડનગર સુધી રોજબરોજ મુસાફરી કરતા મુસફારો અટવાયા છે. જોકે શનિવારે બપોરે ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું સ્થાનિક રેલવે અધિકારીઓમાં શરૂ થયેલી ચર્ચાઓ વચ્ચે ટ્રેન માટે સ્ટાફ પણ ફાળવી દેવાયો હતો, પાલનપુરથી એન્જિન ડ્રાઇવર પણ આવી ગયા અને ૧૦થી વધુ મુસાફરોને ટિકિટ પણ આપી દેવાઈ હતી.

એન્જિન ડ્રાઇવરે એન્જિન પણ ચાલુ કરી દીધું હતું, પણ દોઢ કલાક બાદ ટ્રેન પુનઃ શરૂ કરવા સંબધે કોઈ સૂચના મળી નહી હોવાનું સ્ટેશન માસ્ટરે જાહેર કરતા ફળવાયેલા કર્મચારીઓની સાથે પ્લેટફોર્મ પર બે કલાકથી ટ્રેન શરૂ થવાની રાહ જોઈને બેઠેલા મુસાફરો દયનીય હાલતમાં મુકાયા હતા.

વડનગર જવા ટિકિટ લઇને બેઠેલા છાબલીયાના મુસાફરે રોષ વ્યકત કરતાં જણાવ્યું હતું કે,પૌત્રીને લઇને બે કલાકથી ટ્રેનની રાહ જોઇને અન્ય મુસાફરો સાથે બેઠી છું અને હવે કહે છે કે ટ્રેન નહીં ઉપડે આથી અટવાઈ ગયા.

રેલવેના પ્રશ્નોને લઇને લડી રહેલા કાર્યકરે જણાવ્યું હતું કે, આજે ટ્રેન શરૂ થવાની જાહેરાતને પગલે મેં ટિકિટ લીધી હતી પરંતુ બે કલાક બાદ ટ્રેન શરૂ નહીં કરવાનો નિર્ણય યોગ્ય નથી. ટ્રેન શરૂ થવાની નહતી તો પછી સ્ટાફ શા માટે ફાળવ્યો, ટિકિટ કેમ આપી.

You might also like