મહેસાણા સજજડ બંધ પાટીદાર યુવાનની અંતિમયાત્રા નીકળી

મહેસાણા : ચાર માસ પહેલા પાટીદાર અનામત આંદોલનમાં પોલીસ ગોળીબારમાં ઘવાયેલા મહેસાણાના યુવાનનું મોત થતા આજે મહેસાણામાં નીકળેલી સ્મશાન યાત્રામાં અનેક પાટીદારો જોડાયા હતા.શહેરમાં બંધના એલાનથી બજારો સજ્જડ બંધ રહયા હતા.આ દરમિયાન કેટલાંક લોકોએ જિલ્લા ભાજપ કાર્યાલય અને દૂધ કેન્દ્ર પર પથ્થરમારો કરતા શહેરમાં ક્ષણિક તંગદિલી ફેલાઈ ગઈ હતી. જોકે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી.

મહેસાણામાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન સર્જાયેલી હિંસક ઘટનાઓ અંતર્ગત તોફાની ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવા છતાં ટોળુ કાબૂમાં નહિ આવતા બંદોબસ્તમાં રહેલા પેરા મિલિટ્રી ફોર્સના જવાનોએ ગોળીબાર કરતા ત્રણ યુવાનોને ગંભીર ઈજા થઈ હતી. તે પૈકીના મયુર નટવરલાલ પટેલ(ઉ.વ.૨૩)ને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જેનું ગઈકાલે ખાનગી હોસ્પિટલમાં મોત થયુ હતુ. ત્યારબાદ મયુરના મૃતદેહને મહેસાણા લાવવામાં આવ્યો હતો.

જ્યાં ગૌતમનગર સોસાયટીમાંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના અગ્રણી સિદ્ધાર્થ પટેલ, બાબુભાઈ માંગુકિયા, પાટીદાર અનામત આંદોલન સમિતિના અતુલ પટેલ, સરદાર પટેલ ગ્રૂપનાલાલજી પટેલ સહિત પાટીદાર સમાજના અનેક આગેવાનો અંતિમયાત્રામાં જોડાયા હતા. આજે શહેરમાં બંધના એલાનથી સ્મશાન યાત્રા નીકળી ત્યારે મહેસાણાના પીલાજીગંજમાં આવેલા ભાજપના કાર્યાલયને કેટલાંક લોકોએ નિશાન બનાવી ભારે પથ્થરમારો કરતા કાચ તૂટી ગયા હતા.

આ ઉપરાંત તોરણવાળી માતાના ચોકમાં દૂધસાગર ડેરીના સહયોગ કેન્દ્ર આગળ પડેલા દૂધના કેરેટની પણ કેટલાંક લોકોએ તોડફોડ કરતા આ વિસ્તારમાં થોડો સમય તંગદિલી વ્યાપી ગઈ હતી. જોકે પોલીસે સમયસર પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી.મહેસાણાના વધુ એક પાટીદાર યુવાનનું મોત થતા પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. અને આજે અપાયેલા મહેસાણા બંધના એલાનથી વેપારીઓએ સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. અને સજ્જડ બંધ પાળ્યો હતો.

દરમિયાન પાટીદાર સમાજના લોકોેએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી પાટીદારો પર દમન ગુજારનારા પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવામાં નહિ આવે ત્યાં સુધી મહેસાણામાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મહેસાણામાં પ્રવેશવા દેવામાં નહિ આવે.તેમજ આગામી દિવસોમાં પાટીદાર અનામત આંદોલનને આગળ ધપાવવામાં આવશે. તેવી રણનીતિ નકકી કરી હતી. આજે મહેસાણામાં નીકળેલી પાટીદાર યુવાનની અંતિમયાત્રા બાદ પાસ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં પાટીદારોની લડત ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

You might also like