પાટીદાર અનામત આંદોલનમાં ઘવાયેલા પ્રતિકે કહ્યું, ગુજરાતમાં ભાજપની સરકાર બનવી જોઈએ

રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે થવાનું છે. ચૂંટણીના માહોલ વચ્ચે પાટીદાર અનામત આંદોલનમાં થયેલા ઈજાગ્રસ્ત મહેસાણાના પ્રતિક પટેલે પાટીદાર અનામત આંદોલનકારીઓને સૌથી મોટો આંચકો આપ્યો છે.

પ્રતિક પટેલે પોતાના નિવેદનમાં ગુજરાતમાં ભાજપ સરકાર બને તેવી ઇચ્છા વ્યકત કરી હતી. પ્રતિક પટેલે ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરતાં એવું પણ કહ્યું હતું કે, ભાજપે તેની મદદ કરી છે, પરંતુ કોંગ્રેસ હજુ તેની મદદે હજુ આવી નથી.

મહેસાણામાં થયેલા પાટીદાર આંદોલનના ગોળીબારમાં પ્રતિક પટેલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની સહાય માટે પાટીદારોની સંસ્થાઓના અગ્રણીઓ પૈકી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આર પી પટેલ, સીદસર ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટી જયરામબાપા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દીપક પટેલ, સરદાર કલ્પરથના હરેશ પટેલે પણ મહેસાણામાં પ્રતિક પટેલની મુલાકાત લીધી હતી.

આ તમામ લોકો તરફથી થઈને પ્રતિક પટેલને રૂ.10 લાખની સહાયનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા ઘણી જગ્યાએ ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, એવામાં પ્રતિક પટેલનું નિવેદન સમાજને આંચકો આપી ગયો છે.

You might also like