મહેસાણામાં આઈટીનું મેગા સર્ચઃ તપાસ અમદાવાદ સુધી લંબાઈ

અમદાવાદ: ત્રણ સપ્તાહ પછી ફરી એક વાર આયકર વિભાગ મહેસાણાના બિલ્ડર્સ અને જમીનોના બ્રોકર પર ત્રાટકયો છે, જેની તપાસ આગળ વધતાં અમદાવાદ અને મુંબઇમાં પણ વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. મહેસાણાના ટોચના જમીનના ધંધાર્થી રમેશ પ્રજાપતિ સહિત તેના ભાગીદારોના ઘરે-ઓફિસે રાત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

અમદાવાદના ૧૦૦ જેટલા અધિકારીઓ આ મેગા સર્ચમાં જોડાયા છે. તાજેતરમાં જ મહેસાણાના સોનાના હોલસેલરને ત્યાં આઇટી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં અનેક બેનામી વ્યવહારો, જમીનના દસ્તાવેજો, રોકાણ સહિતના વ્યવહારો મળી આવ્યા હતા તેના પગલે હવે ટોચના જમીનના ધંધાર્થીઓ-બિલ્ડરો અને જ્વેલર્સને ત્યાં અમદાવાદ, મહેસાણા અને મુંબઇમાં એસઆરપી બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

આઇટી વિભાગની જુદી જુુદી ટીમ દ્વારા અમદાવાદના બિલ્ડર્સ, જ્વેલર્સ અને જમીનના ધંધાર્થીઓને ત્યાં સવારથી જ સર્ચ ચાલી રહ્યું છે, જેમાં મોટી રકમની ટેક્સચોરી ઉપરાંત અનેક શંકાસ્પદ નાણાકીય વ્યવહાર મળી આવવાની શક્યતા છે. મોટા ભાગના જ્વેલર્સ તેમની કમાણી જમીનોમાં રોકતા હોવાની માહિતી વિભાગને મળી હતી. મહેસાણાના સોનાના હોલસેલ વેપારીને ત્યાં દરોડા બાદ અમદાવાદના સોનાના હોલસેલર્સને ત્યાં તાજેતરમાં દરોડા પડ્યા હતા, જેમાં નોટબંધીના અનેક નાણાકીય વ્યવહાર વિભાગને મળી આવ્યા હતા.

આ તમામ વ્યવહારોની ચકાસણીના આધારે ગઇ કાલે રાત્રે જમીનના ધંધાર્થી રમેશ પ્રજાપતિને ત્યાં આઇટી સર્ચ હાથ ધરાયું હતું, જેની તપાસ અમદાવાદ સુધી લંબાઇ છે. અમદાવાદના બિલ્ડર્સ કે જેઓ મહેસાણામાં સ્કીમો મૂકી રહ્યા છે તેમને ત્યાં વિભાગે સર્વે હાથ ધર્યો છે, જેમાં અનેક બેનામી વ્યવહારો બહાર આવે તેવી સંભાવના છે.
http://sambhaavnews.com/

You might also like