મહેસાણાનાં ગોઝારિયામાં જૂથ અથડામણથી અફરાતફરી

મહેસાણા: મહેસાણા જિલ્લાનાં ગોઝારિયામાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલીએ મોટું સ્વરૃપ પકડી લીધું છે. વિદ્યાર્થીઓની મારામારી મામલે એક ટોળાંએ હાથમાં લાકડાં લઈને ગામમાં આતંક મચાવતાં લોકો ભયભીત બની ગયા હતાં. આશરે ૫૦૦ થી ૭૦૦ યુવકોના ટોળાએ એક મોલ, ૨ પાન પાર્લર અને બે વાહનોમાં તોડફોડ કરતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. મહેસાણા મામલતદાર તેમજ ડીવાયએસપીએ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લઈને તોફાની તત્ત્વો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૃ કરી છે.

ગોઝારિયાનાં જાહેર રસ્તાઓ પર યુવકોનાં એક જૂથે હાથમાં લાકડાં લઈને ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. ગોઝારિયાનાં વેલો સિટી મોલ, નવરંગ પાન પાર્લરમાં આ ટોળાંએ લગભગ એક કલાક સુધી આતંક મચાવીને તોડફોડ કરી હતી. આ ઉપરાંત વેલો સિટી મોલ પાસે પાર્ક કરેલી બે કારમાં પણ તોડફોડ કરી હતી.આ ઘટનાનાં પગલે ગોઝારિયાનાં બજારો ટપોટપ બંધ થઈ ગયા હતાં. જો કે મહેસાણા ડીવાયએસપી, મામલતદાર તેમજ આજુબાજુના પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડી દીધો હતો. પોલીસે ટોળાંને વિખેરવા એક ટિયરગેસનો શેલ પણ ફોડયો હતો. હાઈસ્કૂલમાં અલગ અલગ જ્ઞાતિનાં વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થતાં બોલાચાલીની બબાલે મોટું સ્વરૃપ પકડી લીધું હતું. પોલીસે સમયસર પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી હતી.

હાલમાં ગોઝારિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોેવાથી પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવીને આતંક મચાવનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગણી વિનય પટેલ માલિક, વેલોસિટી મોલ, ગોઝારિયાએ જણાવ્યું હતું મહેસાણા મામલતદાર અને ડીવાયએસપીએ ઘટના સ્થળે પહોંચીને ગ્રામજનોને સમજાવી પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા પ્રયાસો શરૃ કર્યા છે.જેનાં પગલે હાલમાં ગોઝારિયામાં પરિસ્થિતિ શાંત હોવા છતાં પણ ભારેલા અગ્નિ જેવી છે. લાંઘણજ અને વસઈ પોલીસ ઉપરાંત જિલ્લાની અન્ય પોલીસને પણ ગોઝારિયામાં બોલાવીને બંદોહસ્ત ખડકી દેવાયો છે. હાલમાં ભોગ બનનાર વેપારીઓ તેમજ લોકોએ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૃ
કરી છે.

You might also like