મેંદીની મહેક હવે યુવાનોના હાથ પર…

લગ્ન હોય કે પછી કોઇ સારો પ્રસંગ હોય, મેંદીનું મહત્ત્વ હંમેશથી કંઇક અલગ જ રહ્યું છે. પ્રસંગ ગમે તે હોય બધા ખૂબ જ ઉત્સાહથી મેંદી લગાવતા હોય છે અને હવે આ ક્રેઝ યુવાનોમાં પણ વધુ જોવા મળે છે. જોકે અમુક જ્ઞાતિમાં તો યુવક હોય કે યુવતી બંને શુકનની મેંદી લગાવતાં હતાં. જ્યારે હવે ધીમેધીમે આ શોખ દરેક યુવાનોમાં વધવા લાગ્યો છે. આમ બદલાતા સમય સાથે યુવાનો પણ નવો ટ્રેન્ડ અપનાવતા થયા છે.

આ વિશે વાત કરતાં પવન મિશ્રા કહે છે, “મારી બહેનનાં લગ્ન હતાં તેમાં અમે કઝીન્સે ભેગા મળીને હાથ પર મેંદી લગાવી હતી. ઘણાં કુટુંબીજનોએ કહ્યું પણ ખરું કે ભાઇ પવન, લગ્ન તારી બહેનનાં છે, તારાં નહીં. તો આમ મેંદી લગાવીને બેઠા છો? જોકે અમને તો ઘણી મજા આવી હતી. હા, મારી બહેનની જેમ અમે આખા હાથમાં મેંદી નહોતી લગાવી. બસ, એક હાથમાં નાનકડી ડિઝાઇન બનાવડાવી હતી. હવે માત્ર યુવતીઓ જ મેંદી લગાવે તેવું નથી. મારાં લગ્નના ફંક્શનમાં મેંદી ફંક્શન પણ હતું. જેમાં અમે બધાએ મળીને મેંદી લગાવી હતી. હવે મારું જોઈને મારા મિત્રો પણ મેંદી લગાવતા થયા છે”. જ્યારે જિયા સોલંકી કહે છે, ” મેંદી લગાવવાની મજા જ જુદી હોય છે ને તેમાં પણ આપણા જ મેરેજ હોય તો આનંદ બેવડાઈ જાય છે. જોકે મારા ઘરે વાસ્તુ પૂજા હતી ત્યારે પણ મેં મેંદી મુકાવી હતી. મારી સાથે મારા નાના ભાઇ કિશને પણ બંને હાથમાં મેંદીની ગોળ ડિઝાઇન મુકાવી હતી. હવે તો યુવક હોય કે યુવતી પ્રસંગ પ્રમાણે અને પોતાના શોખ પ્રમાણે મેંદી મુકાવે છે.”

વર્ષોથી મેંદી લગાવવાનું કામ કરતાં શફીભાઇ મેંદીવાળા કહે છે, ” હા, ચોક્કસથી સમય બદલાયો છે. પહેલાંના સમયમાં માત્ર યુવતીઓ જ મેંદી લગાવતી. જોકે જુદીજુદી જ્ઞાતિઓ પ્રમાણે મેંદીને લઇને લોકોની માન્યતા પણ જુદી હોય છે. હવેના સમયમાં મેંદી લગાવવી તે માત્ર શુકન નથી શોખ પણ બની ગયો છે. યુવકો પણ મેંદી લગાવે છે. જેમાં ખાસ કરીને તેઓ સિમ્પલ ટેટુ, રાજસ્થાની બેલ્ટ, સાદી ડિઝાઇન વધુ પસંદ કરે છે. ઘણા યુવકો એવા પણ હોય છે જે પોતાની પત્નીને ખુશ કરવા માટે પોતાના નામનો પ્રથમ અક્ષર અને પત્નીના નામનો પ્રથમ અક્ષર ભેગા કરી નાનકડી ડિઝાઇન બનાવડાવે છે. યુવાનોમાં મેંદીનો ક્રેઝ વધી રહ્યો છે.”

જે યુવાનો પહેલાં માત્ર ટેટુ જ ચિતરાવતા હતા હવે તેઓ મેંદી લગાવતા થયા છે. વાળને નવી ચમક આપવા માટે યુવાનો વર્ષોથી મેંદી લગાવતા હતા. હવે એ જ મેંદી હાથની પણ શોભા બની છે.

હેતલ રાવ

You might also like