મહેબૂબા CM બનતાં પહેલાં ભારત માતા કી જય બોલેઃ શિવસેના

મુંબઇ: જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીના ગઠબંધનવાળી સરકાર રચવા માટે સધાયેલી સંમ‌િત કદાચ ભાજપના સાથી પક્ષ શિવસેનાને પસંદ પડી નથી. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં મહેબૂબા મુફતીને પૂછ્યું છે કે શું હવે તેેઓ ભારત માતા કી જય બોલશે?
શિવસેનાએ સામનામાં જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન બનનાર પીડીપીના નેતા મહેબૂબા મુફતીને કેટલાક વેધક સવાલો કર્યા છે. શિવસેનાએ પૂછ્યું છે કે સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુ અંગે હવે મહેબૂબા મુફતીની કેવી ભૂમિકા રહેશે? અફઝલ ગુરુને ત્રાસવાદી માનવા મહેબૂબા મુફતી અને તેમનો પક્ષ પીડીપી તૈયાર નથી. આજકાલ જ્યારે સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદને લઇને જોરશોરથી ચર્ચા ચાલી રહી છે ત્યારે શું મહેબૂબા મુફતી ભારત માતાની જય પોકારશે?
સામનામાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે શું આજે પણ મહેબૂબા મુફતીના મનમાં એવો ખ્યાલ છે કે અફઝલ ગુરુની લાશને તિહાર જેલમાંથી ખોદીને કાશ્મીર લાવવામાં આવે અને કોઇ મહાન યોદ્ધા તરીકે તેને કાશ્મીરમાં દફનાવવામાં આવે? શું મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરતાંની સાથે જ મહેબૂબા મુફતી નવા રાષ્ટ્રવાદી વિચારોની બાગદોર સંભાળશે ખરા?
સામનામાં લખ્યું છે કે ભાજપે મહેબૂબા મુફતી સાથે એક નવો ખેલ રચ્યો છે, પરંતુ લાખો કાશ્મીરી પંડિતોની જિંદગીની રમત ત્રાસવાદીઓએ તબાહ કરી નાખી છે. આ રમત હવે નવી રાજ્ય વ્યવસ્થાને ફરીથી વસાવવાની રહેશે. ભારત માતા કી જય બોલનારા કાશ્મીરી પંડિતોએ બલિદાનો આપ્યાં છે. તેમના દ્વારા રેડવામાં આવેલા લોહીના છંટકાવ પર નવી શાસન વ્યવસ્થા ઊભી થઇ રહી છે. એટલા માટે નવા મુખ્યપ્રધાને શપથ ગ્રહણ કરતાં પહેલાં ભારત માતા કી જય બોલવી જોઇએ.

You might also like