સગીરા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા કરાશેઃ મહેબૂબા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બાકરવાલ સમુદાયની આઠ વર્ષની બાળકી સાથે કુકર્મ અને તેની હત્યાનો ઘાતકી કિસ્સો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે આવી ઘટના દોહરાય નહીં તે માટે કડક પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે.

રાજ્યના મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ એવી જાહેરાત કરી છે કે સગીર બાળકીઓ સાથે આવી નૃશંસ ઘટનાઓ વિરુદ્ધ સરકાર એક કડક કાયદો લાવવા જઇ રહી છે. આ કાયદામાં સગીરા બાળકીઓ પર રેપ કરનાર અપરાધીઓને ફાંસીની સજાની જોગવાઇ કરાશે.

આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપતાં મહેબૂબા મુફતીએ જણાવ્યું હતું કે અમે ભવિષ્યમાં કોઇ અન્ય બાળકી સાથે આવી ઘટના થવા દઇશું નહીં. અમે રાજ્યમાં એક નવો કાયદો લાવી રહ્યા છીએ, જેનાથી સગીરા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપી શકાશે.

હું દેશને ખાતરી આપવા માગું છું કે અમે આસિફાને ન્યાય અપાવવા માત્ર તેના પરિવારની પડખે જ ઊભા નથી, પરંતુ આવી ઘૃણાસ્પદ ઘટનાઓને અંજામ આપનાર સામે કડક સજા અપાવીને દેશ સમક્ષ એક મિસાલ પેશ કરવા માગીએ છીએ.

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ૧૦ જાન્યુઆરીએ બકરવાલ સમુદાયની એક બાળકીનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના એક અઠવાડિયા બાદ બાળકીની લાશ જંગલમાંથી મળી આવી હતી.

You might also like