4 એપ્રિલના રોજ મુખ્યમંત્રી પદના શપથ લઇ શકે છે મહબૂબા મુફ્તી!

જમ્મૂ: પીડીપી નેતા મહેબૂબા મુફ્તી 4 એપ્રિલના રોજ જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી પદની શપથ લે તેવી સંભાવના છે. તે રાજ્યની પ્રથમ મુખ્યમંત્રી બનવા જઇ રહી છે.
પીડીપીના સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીથી કેટલાક વરિષ્ઠ નેતાઓની ઉપલબ્ધતાની પુષ્ટિ થયા બાદ શપથ ગ્રહણ સમારોહ ચાર એપ્રિલના રોજ યોજાઇ શકે છે.

મહેબૂબા મુફ્તી શનિવારે રાજ્યપાલ એન એન વોહરાને મળી હતી અને તેમણે ભાજપના 25 ધારાસભ્યોના સમર્થથી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે દેશની પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી બનશે. જમ્મૂ કાશ્મીરની 87 સભ્યોવાળી વિધાનસભામાં પીડીપીના 27 ધારાસભ્ય છે.

મહેબૂબાએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકારનું ધ્યાન શાંતિ, સમાધાન અને રાજ્યના વિકાસ પર રહેશે. શનિવારે મહેબૂબાએ પીડીપી અને ભાજપ વચ્ચે વિભાગોની વહેંચણીને લઇને મતભેદ હોવાની વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ‘‘વિભાગોને લઇને અમારી વચ્ચે શું મતભેદ હોય? આ ગઠબંધન સરકાર છે અને અમે અલગ-અલગ એકમ નથી.’’

સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારથી ત્રણ દિવસની યાત્રા પર જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ એપ્રિલના રોજ પરત ફરશે. પરંતુ પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે તેમના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાની સંભાવના નથી.

મહેબૂબા મુફ્તી સર્વસંમતિથી પીડીપી ધારાભ્ય દળની નેતા ચૂંટવામાં આવી અને પાર્ટીના મુખ્યમંત્રી પદ માટે જાહેર કરવામાં આવ્યા. બીજી તરફ ભાજપના બધા 25 ધારાસભ્યોએ શિતકાલીન રાજધાનીમાં બેસીને નિર્મલ સિંહને પોતાના નેતા ચૂંટ્યા. સિંહ નવી સરકારમાં ઉપમુખ્યમંત્રી હશે. મુફ્તી મોહંમદ સરકારમાં પણ તે ઉપમુખ્યમંત્રી હતા.

પીડીપી અને ભાજપે ગત વર્ષે પહેલી માર્ચના રોજ ગઠબંધન બનાવ્યું હતું અને સઇદ મુખ્યમંત્રી બન્યા હતા. બંને પક્ષોએ ગઠબંધન માટે એજન્ડા ઓફ એલાયન્સ બનાવ્યું હતું જેના આધારે તે કામ કરશે.

મુફ્તી મોહમંદ સઇદના નિધન બાદ આઠ જાન્યુઆરીના રોજ રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં આવ્યું હતું કારણ કે મહેબૂબાએ તાત્કાલિક સત્તા સંભાળવાની મનાઇ કરી દીધી હતી. રાજ્યપાલ શાસન હજુ પણ લાગૂ છે.

You might also like