મસ્જિદોમાં નારાબાજી કરવાથી કલમ-૩૭૦ નહીં બચેઃ મહેબૂબા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરનાં મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ અલગતાવાદીઓ સામે નિશાન તાકતાં જણાવ્યું હતું કે મસ્જિદોમાં નારા લગાવવાથી કલમ-૩૭૦ બચશે નહીં. તેમણે રાજ્યના સ્પેશિયલ દરજ્જાને નબળો પાડવાના આક્ષેપોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે કલમ-૩૭૦ આપણી વિરાસત અને કાશ્મિરની લાઈફ લાઈન છે, અમે તેનું રક્ષણ કરીશું. આ ગૃહ અને તેમના તમામ સભ્યો તેના રક્ષણ માટે જ છે.

મહેબૂબાએ હુરિયતના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારુકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે બંધારણની વિશેષ જોગવાઈઓનું જતન કરવું એ ઉપદેશકોનું કામ નથી. આ માત્ર મુખ્ય ધારાના રાજકીય પક્ષોનું કામ છે. કલમ-૩૭૦નું રક્ષણ કરનારા લોકોના ઈરાદા કંઈક અલગ જ છે. કલમ-૩૭૦ને માત્ર અમે વિધાનસભ્યો જ બચાવી રહ્યા છે.

હું પણ એક ઉપદેશક પરિવાર સાથે સંબંધ ધરાવું છું. આપણે બધાંએ મળીને પર્યાવરણ અને જળ સંસાધનોનું રક્ષણ કરવું પડશે. વર્ષો સુધી આપણે જેલમ નદીમાં કચરો ફેંકતા આવ્યા છીએ. જેલમ નદીના પૂર દ્વારા તમામ કચરો આપણાં ઘરમાં પરત આવ્યો હતો, જે ૧૦ િદવસ સુધી રહ્યો હતો. તેમ છતાં આપણે કોઈ પાઠ ભણ્યા નથી.

પીડીપી-ભાજપ ગઠબંધનને યોગ્ય ગણાવતાં મહેબૂબાએ જણાવ્યું હતું કે હું જન હિતમાં એક વાર નહીં પણ ૧૦૦ વખત ભાજપ સાથે ગઠબંધન કરીશ. આ નિર્ણય મેં મારા ઘર માટે લીધો નથી. એ માટે મારે કોઈ ખુલાસો કરવાની જરૂર નથી. આ મારા પિતાનો ફેંસલો હતો. મારા માટે એ પથ્થરની લકીર સમાન છે.

You might also like