મહેબુબાએ પોલીસને કહ્યું બુરહાનનાં એન્કાઉન્ટર બદલ માફી માંગો !

જમ્મુ : મંગળવારે જમ્મુ અને કાશ્મીરનાં શિક્ષણ મંત્રી નઇમ અખ્તરનાં ઘરે થયેલ હુમલાથી જ રાજ્યની તંગ પરિસ્થિતીનો ચિતાર મળે છે. ગત્ત કેટલાક દિવસોથી સત્તાધારી પાર્ટી પીડીપીનાં બે અન્ય ધારાસભ્યોનાં આવાસ પર હૂમલાઓ થઇ ચુક્યા છે. જેમાં એક મંત્રીનો પણ સમાવેશ થાય છે. તોફાની ટોળાનો ભોગ બનેલા પુલવામાનાં ધારાસભ્ય ખલીલ બંધ 18 જુલાઇથી દિલ્હીની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

સરકારમાં રહેલી બીજી પાર્ટી ભાજપનાં લગભગ અડધાથી વધારે ધારાસભ્યો કાશ્મીર છોડીને જમ્મુમાં રોકાયા છે. રાજ્યનાં મુખ્યમંત્રીએ પણ મેડિકલ એન્ટરન્સ ટેસ્ટ માટે આવેલા વિદ્યાર્થીઓનાં પરિવારજનોનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહી દક્ષિણ કાશ્મીરનાં લગભગ 10 પોલીસ પોસ્ટ અને સ્ટેશનોનાં સુરક્ષા કર્મચારીઓએ પણ આ સ્થળો ખાલી કરી દીધા છે. આ સ્ટેશનો પર પ્રદર્શનકર્તાઓનાં હૂમલાની આશંકા હોવાનાં કારણે તકેદારીનાં પગલારૂપે કાર્યવાહી કરાઇ હતી. સૌથી વધારે મુશ્કેલી નાના પોલીસ કર્મચારીઓને થઇ રહી છે. કારણ કે તેમનાં ઘરો પર પ્રતિદિન ઉપદ્રવીઓ દ્વારા હૂમલાઓ થતા રહે છે. તેમનાં પરિવારને પણ આ હૂમલાનો ભોગ બનવું પડે છે.

ત્રાલ સહિત ત્રણ મોટા પોલીસ સ્ટેશન બંધ કરી દેવાયા છે. આ પોસ્ટ્સ પર રહેલા પોલીસ કર્મચારીઓ પણ સીઆરપીએએફ શેલ્ટર અને સેનાનાં કેમ્પોમાં આશરો લઇ રહ્યા છે. એક સુત્રે જણાવ્યું કે પોલીસ અધિકારીઓ પણ પોતાની ઓળખ છુપાવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ સુરક્ષાકર્મીઓને પોતાની રસ્તા પરની હાજરી ઓછી કરવા માટે જણાવ્યું છે. સુત્રોનાં અનુસાર આવા પગલા પ્રદર્શનકર્તાઓનો ગુસ્સો ઓછો કરવા માટે કરવામાં આવી રહ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ નહી છાપવાની શરતે મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પોલીસને કાશ્મીરી યુવાનોને હિજબુલ મુજાહિદ્દીનનાં કમાન્ડર બુરહાન વાનીને મારવા બદલ માફી માંગવા માટે જણાવ્યું છે. તેમણે આગળ કહ્યું કે મુખ્યમંત્રીની તૃષ્ટીકરણની રાજનીતી કારણે સમગ્ર ખીણ વિસ્તાર સળગી રહ્યો છે. અહીં કોઇ કાયદો વ્યવસ્થા નથી. કોઇનો ડર અહીં રહ્યો નથી.

You might also like