મહેસાણા બન્યું રાજકીય અખાડોઃ કેતનના પીએમ રિપોર્ટનો ઈંતેજાર

અમદાવાદ: મહેસાણાના બલોલ ગામના કેતન મહેન્દ્રભાઇ પટેલનું કસ્ટોડિયલ ડેથ બાદ સરકાર સમક્ષ પરિવારજનોની માગને પગલે ગઇ કાલે ફરી પોસ્ટમોર્ટમ કરાયું હતું. બંધ કવરમાં મેજિસ્ટ્રેટને રજૂ કરવામાં આવેલો પીએમ રિપોર્ટ આજે અનેક રહસ્ય ખોલે તેવી શકયતા છે. હાલમાં આ ઘટનાને પગલે મહેસાણા રાજકીય અખાડો બન્યું છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય પી.આઇ.પટેલ અને પાસના આગેવાનો ઉપવાસ પર ઊતરતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. પાસના ૧૦૧ કાર્યકર આ ઘટનાના વિરોધમાં મુંડન કરાવવાના હોઇ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરાઇ છે. મૃતક પાટીદાર યુવાન કેતન પટેલને ન્યાય અપાવવાની માગ સાથે છેલ્લા ત્રણ દિવસથી સિવિલ કેમ્પસ પાસ અને કોંગ્રેસના નેતાઓની અવરજવરથી ધમધમી રહ્યું છે. આજે સવારથી મૃતકના પરિવારજનોની સાથે પાટીદાર મહિલાઓ પણ જોડાઇ છે. સિવિલ કેમ્પસ હવે ઉપવાસની છાવણીમાં પણ ફેરવાયું છે. વિજાપુર કોંગ્રેસના પાટીદાર ધારાસભ્ય પી.આઇ. પટેલ સાથીદારો સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. પીએમ રૂમની બહાર જ ઉપવાસ માટેની જગ્યા બનાવાઇ છે.

મૃતકના પરિવારજનોની માગ છે કે કેતન પટેલના મોત માટે જવારદારો સામેની ફરિયાદ બાદ તેઓની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ મૃતકની લાશનો કબજો લેશે નહીં. આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા માટે મળશે.

જ્યાં કેતન પટેલનો મૃતદેહ રાખવામાં આવ્યો છે તે સિવિલ કેમ્પસના કોલ્ડ રૂમની સામે પાથરણાં પાથરીને કોંગી એમએલએ સહિત ૩પ પાટીદારો ઉપવાસ પર છે. આજે કેમ્પસમાં જ ૧૦૦ પાટીદારો મુંડન કરાવીને વિરોધ વ્યકત કરશે.

મૃતકના પિતા મહેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટ લીધા બાદ જવાબદાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયા પછી તમામની ધરપકડ પછી જ હું મારા પુત્રને અગ્નિસંસ્કાર આપીશ. ત્યાં સુધી અહીંથી હટીશ નહીં. ગઇ કાલે મૃતકના માતા રમીલાબહેન અને પિતરાઇ ભાઇ-બહેનોની તબિયત બગડતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે.
http://sambhaavnews.com/

You might also like